IMG_5311

ઇતિહાસ…

કોઇ સદીઓ જૂના મંદિરની મૌન મૂર્તિઓ જેવો છે

સમયના કઠોર વજ્રઘાત વચ્ચે પણ આજે પણ અડીખમ ગુંજતો રહે છે

એ અતૂટ વિશ્વાસની સાથે કે,

કોઇ ભવિષ્યનો મખલમી સ્પર્શ મને થશે અને

હું ફરી સ્વસ્થ થઇને મારી વાર્તા સંભળાવીશ,

મારા ગર્ભમાંથી નવા એક ભવિષ્યને જન્મ આપીશ…

***

… અને આ ઇતિહાસની ગુંજ સાંભળવા હું નિકળી પડ્યો છું અમદાવાદથી 98થી 100 કિલોમીટર દૂર મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરાના સૂર્યમંદિર સુધી. હું પહેલીવાર મોઢેરાના સૂર્યમંદિર ન્હોતો જતો, પણ એ સ્થળ પર એવું કંઇક ખાસ છે જે મારા સહિત અનેકોને અહીં આવવા માટે વારંવાર આકર્ષિત કરે છે.

વહેલી સવારે ઉઠી બસ પકડીને હું મહેસાણા પહોંચ્યો. હવે જેટલીવાર મોઢેરા આવ્યો ત્યારે કોઇની સાથે આવ્યો અથવા તો પોતાનું વાહન લઇને ગયો છું પણ આજે તો બંદા એકલા નીકળી પડ્યા છે. મોઢેરા તરફ જતા રસ્તા પર પહોંચ્યો ત્યારે સામે એક ખાલી શટલવાન ઉભી હતી. હું આગળ જઇને બેસી ગયો પણ પછી વાહન માલિકે 10 મીનિટમાં એટલા લોકો ભર્યા કે… એ તો ઠીક પણ આગળના ભાગે મારા અને ડ્રાઈવર વચ્ચે એક ત્રીજો માણસ પણ બેસાડ્યો… અને પોતાના આગવા અંદાજમાં એવા ગીતો શરૂ કર્યા કે મગજ સુન્ન થઇ જાય… મંદિર સુધી પહોંચ્યા પણ આદત પ્રમાણે મેં ડ્રાઈવરને પુછ્યું કે ‘પાછું જવા માટે વાહન ક્યાંથી મળશે?’, ડ્રાઈવરે માહિતી આપી કે ધમકી પણ એટલું બોલ્યો કે, ‘સાત-સાડાસાત પહેલા નીકળી જજો નહીંતર મહેસાણા સુધી ચાલતા જવું પડશે.’

સામાન્ય દિવસોમાં ટિકીટ લઇને જવાનું હોય છે. ગુજરાત સરકાર દ્વારા શિયા‌ળા દરમિયાન બે દિવસના સંગીત અન નૃત્યના ‘ઉત્તરાર્ધ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવે છે, આ દરમિયાન કોઇ ટિકિટ લેવામાં આવતી નથી. મંદિરના પ્રાંગણમાં એક તરફ સુંદર બગીચો છે અને બીજી તરફ નાનકડું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જ્યાં મૂર્તિઓને તેના નામ અને સમય સાથે મુકવામાં આવી છે, જેથી યાત્રીઓને મૂર્તિઓ વિષે થોડો ચિતાર મળી રહે.

IMG_5086

મંદિર સુધી પહોંચતા પહેલા મેં મંદિરને દૂરથી જોયું તો એવું લાગ્યું કે, મારી આંખ સામે સોલંકી યુગની એક ઉત્તમ કલાકૃતિ જીવંત ઊભી હોય. જાણે એક સમય ખંડ અહીં જ સ્થિર થઇ ગયો હોય. આજે હું એ સ્થળનો સાક્ષી બન્યો હતો જ્યાં ઇતિહાસને પણ થોડીવાર શ્વાસ લેવાનું મન થાય, શાંતિથી નિહાળવાનું મન થાય, ત્યાં જઇને એવું લાગે કે બસ, તેને જોતા જ રહીએ. જ્યાં ભાષા શાંત થઇ જાય અને આંખો જાણે મૃગજળ માટે તરસતા યાત્રીને જેમ આમ તેમ દોડવા લાગે… એવી અનુભૂતિ થાય કે એ ટાંકણા કેવા હશે જેણે આ નિર્જીવ પથ્થરો પર આટલી જીવંત કવિતા લખી.

પ્રભાસપાટણના સોમનાથના મંદિરની જેમ મોઢેરાના સૂર્યમંદિરને પણ વિદેશી આક્રમણોની વિનાશક વૃત્તિનો સામનો કરવો પડ્યો હોવા છતાં પણ આજે મંદિરનો જેટલો ભાગ બચ્યો છે તે જોતાં જ તેની ભવ્યતાનો અહેસાસ થાય છે. વિચારો કે જે મંદિર આજે આટલું ભવ્ય અને અદ્વિતિય લાગે છે તો ભૂતકાળમાં તેની જાહોજલાલી કેવી હશે?

IMG_5085 IMG_5197

***

મોઢેરાના સૂર્યમંદિરને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય,

  1. મુખ્યમંદિર અને રંગમંડપ
  2. રામકુંડ અથવા સૂર્યકુંડ

img_20161107_232732 IMG_5137

મુખ્યમંદિર અને સભામંડપ

મહેસાણા કર્કવૃતની (23°42Nઅને 72°37E) નજીક હોવાના કારણે અહીં સમગ્ર વર્ષ દરમિયાન સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી આ જગ્યાનું પણ ખાસ ભૌગોલિક મહત્વ છે. એક લોકવાયકા પ્રમાણે અહીં મુખ્ય ગર્ભગૃહમાં જે ભગવાન સૂર્યની પ્રતિમા બિરાજમાન હતી તેમના માથામાં મોટો મણિ હતો. સૂર્યની પહેલી કિરણ આ મણિ પર પડતો અને સમગ્ર મંદિર પ્રકાશિત થઇ જતું હતું. જોકે આ વાયકાના કોઈ ઐતિહાસીક પ્રમાણ મળતા નથી.

મુખ્યમંદિરનો ગર્ભગૃહની ઉંચાઇ જોતા ખ્યાલમાં આવે કે 15 ફૂટથી ઉંચી મૂર્તિ હોવી જોઇએ. ખુબ જ કલાત્મક કોતરણીકામથી ગર્ભગૃહને સજાવવામાં આવ્યું છે. અંદરની તરફ કામસૂત્રની અનેક ભંગીઓનું અદ્ભૂત રીતે કંડારવામાં આવ્યા છે. મંદિરમાં ચારેય તરફથી પ્રકાશ પ્રવેશી શકે તેવી ઉત્તમ રીતે બનાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વાર પર સૂર્ય, અપ્સરાઓ, ગાંઘર્વો અને પલ્લવોનું કલાત્મક રીતે આલેખન કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિરની બાંધણી હિંદુ શિલ્પશાસ્ત્ર પ્રમાણેની જોવા મળે છે. બહારની સરખામણીએ ગર્ભગૃહના ભાગમાં કોતરણી ઓછી જોવા મળે છે.
પહેલા મોઢેરા આવ્યો ત્યારે આ મારા માટે માત્ર એક પ્રવાસન સ્થળ જ હતું પરંતુ આજે જ્યારે સોલંકીયુગ, તેની શિલ્પકૃતિ અને મૂર્તિવિધાનમાં થોડી ખબર પડતી થઇ ત્યારે આ મંદિરને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો. ગર્ભગૃહની બહારની તરફ આવતા જ મારી આંખ આશ્ચર્ય અને આનંદથી ભરાઈ ગઇ. ભવ્ય મૂર્તિઓ, અપ્સરાઓ, શિવજીથી લઇને 5થી 6 ફૂટની 12 આદિત્યોની અતિભવ્ય મૂર્તિઓ કંડારેલી જોવા મળે છે. ધાત્રી, મિત્ર, આર્યમાન, રૂદ્ર, વરૂણ, સૂર્ય, ભગ, વિવસ્વાન, પુશાન, સવિતૃ, ત્વસ્ત અને વિષ્ણુ જેવા 12 આદિત્યોની હિંદુ શિલ્પશાસ્ત્ર પ્રમાણે અલગ-અલગ સ્વરૂપની મૂર્તિઓ જોવા મળે છે. પથ્થરો કલાકૃતિ જેવી લાગવા લાગે, એક જ દેવની અલગ-અલગ મૂર્તિઓ જોઇને લાગે કે તેણે કેટલું વિચાર્યું હશે.

સમગ્ર પરિસર સહિત મંદિરનો એકપણ ભાગ, એકપણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં પથ્થર પર કવિતા ન લખાઈ હોય. શિવજીની પ્રદક્ષિણા કર્યાનો જેટલો આનંદ આવે એટલો જ આનંદ અહીં બે-ચાર-છ વાર પ્રદક્ષિણા કરી ગયો. એકની એક મૂર્તિઓને જેટલીવાર જોઇએ એટલીવાર નવીને નવી લાગે. મૂર્તિઓની જીવંતતા જોઇને એટલો વિશ્વાસ તો થઇ ગયો કે આપણા શિલ્પકાર જીવનના તમામ રસની અગત્યતાને ખૂબ જ નજીકથી સમજતા હતા.

પ્રદક્ષિણા કરી હું આપોઆપ રંગમંડપમાં પહોંચ્યો. સોમનાથના મેરુશિખર મંદિરમાં પણ રંગમંડપ બનાવવામાં આવ્યું છે, એવું જ ભવ્ય રંગમંડપ અહીં ભગવાન સૂર્યને સમર્પિત કરવામાં આવ્યું છે. આ નાગરશૈલીના મંદિરમાં ખાસ જોવા મળે છે. રંગમંડપમાં ઉભા રહો એટલે મન આપોઆપ ખુશીથી નાચવા માંડ્યું. સ્થંભ પર કોતરેલા રામાયણ અને મહાભારતના શિલ્પ જોઇને એવું લાગ્યું કે આ ગ્રંથના શબ્દોએ અહીં આકાર ધારણ કર્યો છે, શબ્દ અહીં મૂર્તિમંત થયો હોય. અહીં સ્થંભની ઉપર બનાવેલા ‘કિચક’નું શિલ્પ ખાસ ધ્યાન આકર્ષિત કરે છે. સભામંડપની પૂર્વ તરફ સૂર્યકુંડ તરફ ઉતરતા બે સ્તંભ ધ્યાન ખેંચે છે. આ સ્તંભ કદાચ કમાન હોઇ શકે છે પરંતુ આ બંને સ્તંભ પર નીચેથી લઇને ઉપર સુધી દરેક તબક્કા પર કલાત્મકતા વધતી જતી હોય તેવું અનુભવાય.

IMG_5128

સૂર્યકુંડ

સભામંડપની બહાર નીકળતાં જ સૂર્યકુંડના દર્શન થાય. સામાન્ય રીતે સૂર્યમંદિરની બહાર કુંડ જોવા મળે છે. એવી વાયકા પણ છે કે સૂર્ય ગરમ દેવતા હોવાથી કુંડમાં સ્નાન કરીને દર્શન કરવા જવાનો રિવાજ હતો એટલે દરેક સૂર્યમંદિરમાં કુંડ અથવા તો પાણી સંગ્રહનું સ્થાન જોવા મળે છે. ચોમાસા દરમિયાન આ કુંડ ખુલ્લા કુવાનું કામ પણ કરતું હશે. અત્યારે આ સૂર્યકુંડ ૧૭૫ ફુટ લાંબો અને ૧૨૦ ફૂટ જેટલો પહોળો છે. સૂર્યકુંડના અંદર બહારની તરફ ઉતરતા-ચડતા પગથીયા જીવનની ઉંડાઈ સમજાવી જાય છે. જેટલા નીચે ઉતરશો ઉપર આવવા એટલો જ પ્રયત્ન કરવો પડશે. રસ્તાઓ ભલે અલગ-અલગ હોય પરંતુ પહુંચે છે તો એક જ તત્વ સુધી. સૂર્યકુંડમાં પગથીયા ઉતરતા નાની-નાની દેરીઓ જોવા મળે છે. કુંડના પ્રત્યેક ખૂણા પર ચાર મોટા મંદિરો હતા. કુંડના એક મંદિરમાં રાણકીવાવની યાદ અપાવે તેવા શેષાશાયી વિષ્ણુ બિરાજે છે. કુંડના નાના મોટા મંદિરોની રચના હજારો વર્ષ પહેલાના સ્થપતિઓની નિપુણતાના દર્શન કરાવે છે. વિવિધ સૂર્યમંદિરોના સઘળા કુંડની સરખામણીએ મોઢેરાનો સુર્યકુંડ અદ્વિતિય અને શ્રેષ્ઠ છે. તેમ ચોક્કસ માની શકાય લગભગ બધા જ સૂર્યકુંડોની રચના આ પ્રમાણેની જોવા મળે છે જેમાં પ્રભાતના સૂર્યના કિરણો પરા થઈને મંદિરને પ્રજ્વલિત કરે છે અને તે જ સમયે કુંડના કમળો ખીલી જાય.

IMG_5161

***

કાશ્મીરમાં આવેલું 8મી સદીનું માર્ડતનું સૂર્યમંદિર, ઇ.સ. 1300માં બનેલું કોર્ણાકનું સૂર્યમંદિર અને ગુજરાતનું ભીમદેવ પહેલાએ બંધાવેલું (ઇ.સ. 1026 આસપાસ) મોઢેરાનું સૂર્યમંદિર તેની સૂર્યોપાસના અને સ્થાપત્યની દ્રષ્ટિએ જગવિખ્તાય છે. ‘ઉગતા રહેજો ભાણ’ પુસ્તક અનુસાર માત્ર ગુજરાતમાં જ 100થી વધુ સૂર્યમંદિર છે.

***

સવારથી લઇને સાંજ સુધી મંદિરનો એક એક ખૂણો જોતા સાંજ ક્યાં પડી ગઇ તેની ખબર જ ન પડી. પણ આખા દિવસમાં બે હજારથી વધુ લોકો મારી સામે આવીને ગયા પણ બધાં જ મંદિરમાં આવ્યા- સેલ્ફી પાડી, ફોટા પાડ્યા અને જતા રહ્યા. કદાચ આજે આવી ઐતિહાસિક જગ્યાઓ માત્ર ફોટા પાડી સોશિયલ મિડિયામાં મુકવા માટે જ રહી ગયા છે. કેટલાક માટે આ માત્ર પથ્થરનો ઢગલો કે ઐતિહાસિક જગ્યા છે, પણ આ આપણો સ્વર્ણિમ ભૂતકાળ છે. બહુ ઓછા એવા હતા જેમણે મંદિર બહાર મુકેલી તેના ઇતિહાસની તકતી વાંચવાની તસ્દી લીધી હશે.

IMG_5311 IMG_5391

અરે! આ વિચારવા રહ્યો ત્યાં મારી ઘડિયાળમાં 8 વાગી ચૂક્યા હતા અને હું કેમેરો પેક કરીને બહાર ભાગ્યો, પણ કાંઇ મળે નહીં… સવારે ડ્રાઈવરની વાત મારા કાનમાં ગુંજવા માંડી અને બીજે દિવસે ઓફિસની ચિંતા? કે કાલે શું થશે? આમ જ્યાં અડધી કલાક આમથી આમ આંટા માર્યા હશે ત્યાં બીજી તરફથી આશાની કિરણની જેમ એક જે.સી.બી. આગળ જઇને ઉભું રહ્યું. ડ્રાઈવરે મને પૂછ્યું ‘ક્યાં જવું છે? મેં કહ્યું કે ‘મહેસાણા જવું છે પણ જ્યાં સુધી જતા હોવ ત્યાં ઉતારશો તો ચાલશે’ જિંદગીમાં પહેલીવાર જે.સી.બી.માં બેઠો અને… જતા સમયે 30 મીનીટની સફર આવતી સમયે દોઢ કલાક થયો. શરીરનો એકપણ અંગ એેવો નહીં હોય જે વાઈબ્રન્ટ ન થયો હોય! આટલું ઓછું હતું ત્યાં ડ્રાઈવર રસ્તો ભૂલી ગયો અને નેટવર્ક પકડાઈ નહીં! છતાં જેમ તેમ તેણે મેઇન રોડ સુધી મને પહોંચાડ્યો ત્યાંથી?? જેમ તેમ એક રિક્ષાવાળાએ મારી વિનંતીથી જેટલી ઝડપી થઇ શકે એટલી ઝડપથી મને બસ સ્ટેન્ડ સુધી પહોંચાડ્યો. હું પહોંચ્યો ત્યારે બસ બસ સ્ટેન્ડની બહાર નીકળતી જ હતી… મેં દોડીને બસ પકડી… આટલું ઓછું હતું ત્યાં બસમાં છેલ્લી બે સીટ ખાલી હતી… બસ મળ્યાનો આનંદ અને ખાસ કરીને સીટ મળ્યાનો આનંદ કદાચ શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી અને વાજતે-ગાજતે હું અમદાવાદ પહોંચ્યો.

IMG_5133IMG_5104

IMG_5103

***

ઇતિહાસ…

તૂટેલા પથ્થરનો ધારદાર ખૂણો છે

મૌન ઉભેલી મૂર્તિનું ભવિષ્ય પર અટ્ટ હાસ્ય છે

વર્તમાનમાં કેમેરાની આંખે જોવાતું ભૂતકાળ છે

લોકકથાઓની રોમાંચક વાર્તાનો અજેય નાયક છે

મારા અને તમારામાં જીવંત રહેતી ઝંખનાનો અધૂરો જવાબ છે

 

આલેખન – ધ્રુવ શાસ્ત્રી (21-Apr-2019)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *