1-min_0

કેટલાકનું ચાલે તો 12 મહિનામાંથી ‘માર્ચ’ નામનો મહિનો જ કાઢી જ નાખે એટલો ગુસ્સો આવે, કેમ કે ‘ટાર્ગેટ’ પૂરા કરવાના હોય. 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્કના ટાર્ગેટ, બિઝનેસ હેડ્સને બિઝનેસના ટાર્ગેટ તો અકાઉન્ટિંગના લોકોને કાળા-ધોળાના ટાર્ગેટ પૂરા કરવાના હોય. આ લોકોનું ‘માર્ચ એન્ડિંગ’ તો માર્ચ પૂરો થયા પછી પણ ક્યાંય સુધી ચાલ્યા કરે. વર્ષ શરૂ થાય ત્યારથી જ તેમની શહિદી નક્કી થઇ ગઇ હોય તોય મરવા માટે આખું વર્ષ મહેનત કરે. જેવો આ માર્ચ જાય એટલે ઠીલી ઘેંસ જેવા થઇ જાય, ઉજાગરા કરીને આંખ નીચે કુંડાળા દેખાવા લાગે, આંખે અંધારા આવી જાય. કોઇ સૈનિક કોઇ મોટું જંગ જીતીને આવ્યો હોય અને જેવી પરિસ્થિતિ હોય. ફરક માત્ર એટલો જ હોય કે દર વર્ષે લોકો બદલાતા રહે, પરિસ્થિતિ નહીં.

આમ જોવા જઇએ તો નાના હોઇએ ત્યારથી જ ટાર્ગેટ આપી દેવામાં આવે કે, તારે તો ડોક્ટર બનવાનું છે, એન્જિનિયર બનવાનું છે (કેટલાએ કહ્યું હશે કે તારે સંગીતકાર, ચિત્રકાર કે પત્રકાર બનવાનું છે?) ઓફિશિયલી આ ટાર્ગેટ નવમાં ધોરણના વેકેશનથી જ ચાલુ થઇ જાય અને એ ટાર્ગેટ પૂરો કરવાની તૈયારીઓ શરૂ થઇ જાય. જૂની સાઈકલને બદલે છોકરા પાસે નવું સ્કૂટી (હવે એક્ટિવા) આવી જાય, ઘરમાંથી ટી.વી. બંધ થઇ જાય, પ્રસંગોમાં જવાનું બંધ થઇ જાય, છોકરાઓ અચાનક મોટા થઇ જાય અને….. માતાપિતા ‘‘છોકરો બોર્ડમાં છે’’ એવું બોલવાનું ચાલું થઇ જાય. જાણે કે દસમાં ધોરણનું આખેઆખું આખું પેકેજ શરૂ થઇ જાય. બીચારી મમ્મીઓ છોકરાઓની યાદશક્તિ વધારવા આખા વર્ષમાં ડ્રાયફ્રૂટ અને બોર્નવિટાના કેટલા ટાર્ગેટ પૂરા કરતી હશે?

લગ્નના મેળાવડામાં ગયા હોઇએ અને ઉમેદવારો આવતા જતા હોય અને પછી ખબર પડે કે આ છેલ્લા ઉમેદવાર હતા ત્યારે કેવું લાગે? બસ એવું જ કંઇક થાય જ્યારે કોર્સ પૂરો થઇ ગયો હોય, સ્કૂલની પરિક્ષા પૂરી થઇ ગઇ હોય અને પછી છોકરાને ખબર પડે કે કાલથી માર્ચ મહિનો શરૂ થઇ જશે અને પછી પરિક્ષાના રાક્ષસ સાથે માતાપિતાની અપેક્ષાઓ અને પોતાની મહેનત બધુ એક સાથે દેખાવા લાગે. ઘરના બધા મોટાઓ જાતજાતની સલાહ આપી ચૂક્યા હોય, વધારામાં પૂરું સગાવ્હાલા નવી નક્કોર પેન લઇને પરિક્ષાના આગલા દિવસે શુભેચ્છા આપવાના નામે ‘ગેટ ટુ ગેધર’ કરવા પહોંચી જાય, ચાલો આવે તેનો પણ વાંધો નહીં પણ કલાક બેસતા પણ જાય અને એના જમાનાની પરિક્ષાઓ, અનુભવો અને સાથે ગિફ્ટમાં જાતજાતની સલાહ આપતા જાય એ અલગ. પરિક્ષા સેન્ટર છોકરાએ ભલે ન જોયું હોય પણ સગાઓને સરનામું કહીને બીચારો થાકી જાય.

લગ્નનો છેલ્લો ફેરો ફરતા ફરતા છોકરા-છોકરીના મનમાં જેવા પ્રશ્નો મૂંઝવતા હોય તેવા પ્રશ્નો અહીંયા પણ કબડ્ડી રમતા હોય… સેન્ટર કેવું હશે? પેપર કેવું જશે? બાર કોડ શું હોય? ખાખી સ્ટીકર કેવું હોય? પહેલો પેપર પૂરો થાય પછી કદાચ 50 ટકા ટેન્શન હળવું થઇ જાય. પણ… પણ… છોકરો જાણે આઈ.સી.યુ.માં જીવન અને મોત સામે લડતો હોય એવી રીતે તેના માતાપિતા ત્રણ-ચાર કલાક પરિક્ષા સેન્ટરની બહાર માર્ચ-એપ્રિલના તડકામાં તપ ધરતા હોય (આવો તો કેવો પ્રેમ?) કે ક્યારે મારો દિકરો સહીસલામત બહાર નીકળશે અને હું એને પુછીશ કે ‘પેપર કેવું ગયું? કેટલા આવશે?’

આમ જ્યાં પરિક્ષા પૂરી થાય ત્યાં ફરી ટાર્ગેટનું ભૂત ઉપડે, પરિણામ આવે અને કેટલાકના ટાર્ગેટ ‘અચિવ’ થાય કેટલાકના ‘અડધા’ પૂરા થાય તો કેટલાક ટાર્ગેટની વ્યાખ્યા જ ભૂલી જાય. સમાજ અને શિક્ષણના ચોક્કસ ‘માપદંડ’ પ્રમાણે છોકરાઓ સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના ચોકઠામાં ગોઠવાઈને ફરી નવા ગોલ અચીવ કરવા લાગી પડે.

મજા તો ત્યારે આવે જ્યારે ઘર આંગણે સતત શ્રેણી જીતતી ભારતીય ક્રિકેટ ટીમને અચાનક ઓસ્ટ્રેલિયા રમવા મોકલી દે તો કેવું થાય? બસ એવું જ કંઇક થાય જ્યારે 95 માર્ક લઇને સાયન્સમાં ગયેલા વિદ્યાર્થીને પહેલી પરિક્ષામાં 40 લાવતા ચારવાર ચક્કર આવી જાય અને અહેસાસ થવા લાગે કે આ ટાર્ગેટ પૂરો થાય એવો નથી પણ માતાપિતાની અપેક્ષાના ટાર્ગેટનું શું? સમાજના ટાર્ગેટનું શું? કેટલાક આ પરિક્ષામાં પણ સારા માર્કે પાસ થાય અને કેટલાક…

de3793bb-8a56-4303-97c8-308d4b82958e

આપણે મોટાઓ પાસેથી એવું જ સાંભળ્યું હોય કે કૉલેજમાં કંઇ ભણવાનું ન હોય, પરિક્ષા આવે તો પીક્ચરની સ્ટોરી લખવાની પણ સપલીમેન્ટ્રી ભરવાની એટલે પાસ થઇ જવાય. આ માનસિકતા સાથે જીવનના સૌથી સુવર્ણયુગમાં પ્રવેશ થાય, ત્યાં ટાર્ગેટ થોડા અલગ હોય પણ ન દેખાય એવા હોય, એટીકેટીના કુંડાળામાં પગ પડે એટલે ત્રણ વર્ષનો ટાર્ગેટ ક્યારે પૂરો થાય એ તો એ જ જાણે પણ… મજા પણ એટલી જ આવે,

પરિક્ષાની આગલા દિવસે શું વાંચવું એ ખબર ન હોય, કલાક કલાક ફોન પર ચર્ચા થાય પછી મિત્રને ત્યાં જઇને વાંચવાનું અને બે ભેગા થાય એટલે વાતો ચાલે પછી યાદ આવે કે કાલે પરિક્ષા છે એટલે ભરપેટ જમીને રાત્રે વાંચવા બેસવાનું, હવે ઉંઘ ચડે તો ચા પીવા જવાની, કુતરા ભગાડવાના, સોસાયટી જગાડવાની અને…. ઘરે આવીને સૂઇ જવાનું. બીજે દિવસે પરિક્ષા આપવાની, ચાર-પાંચ સપલી ભરવાની અને પાસ થઇ જવાનું. આમ કરતા કરતા પરિક્ષાઓના ટાર્ગેટ પૂરા થાય, ડિગ્રી સર્ટિફિકેટ હાથમાં આવે અને તેમાં છપાયેલા કેટલાક ‘આંકડા’ તમારા જીવનભરના ભવ્ય ભૂતકાળ બની જાય. કેટલાકના આંકડાઓ માત્ર ફાઈલમાં બંધ થઇને રહી જાય તો કેટલાકના આંકડા ફોટા સાથે છાપામાં છપાય તો કેટલાકના ઘરના શૉકેશમાં શિલ્ડ બનીને સચવાયા કરે.

પણ આ નાની નાની પરિક્ષાઓ જ મોટી પરિક્ષા માટે તૈયાર કરે છે, ઘડે છે પણ આ પરિક્ષામાં મળતા આંકડાના ટાર્ગેટને બદલે જીવનના દરેક કદમ પર મળતા નવા નવા ટાર્ગેટ માટે તૈયાર કરીએ, પરિક્ષાની ચિંતાને પ્રસંગમાં બદલીને, ગોખવાને બદલે વિષય પ્રત્યેનો રસ ઉભો કરીએ. આપણે માત્ર ચોપડીનું જ્ઞાન નહીં પણ અનુભવના શિક્ષક પાસેથી ‘શિખવા’નો વિશાળ ‘ટાર્ગેટ’ રાખીએ તો?

***

કાગળના જમાનામાં એક મોટાભાઈએ નાનાભાઈને લખેલો એક યાદગાર પત્ર

27 નવેમ્બર 2002

પ્રિય ભાઈ,

હવે તારો સમય કિંમતી બનતો જાય છે. આ પત્ર તને 20-30 તારીખે મળશે. આપણે ડિસેમ્બરથી ગણતરી કરીએ.

ડિસેમ્બર        31
જાન્યુઆરી      31
ફેબ્રુઆરી        28
માર્ચ            10

કુલ             100 દિવસ

અત્યારે તારા હાથમાં 100 દિવસ અને 2400 કલાક છે. એક દિવસની સૂવાની અને ખાવા-પીવાની કલાકો બાદ કરીએ તો આશરે 10 કલાક થાય. એટલે 2400માંથી 1000 (100×10) કલાક ચાલી ગઇ. હવે બાકીની 14માંથી 4 કલાક ટ્યૂશન વાળા લઇ જાય એટલે બાકી રહી 10 કલાક.  હવે 100 દિવસની 10 કલાક ગણીએ તો 1000 કલાક થાય. (ઉપરની ગણતરી મુજબ) 2400-1400 (1000+400)=1000. 1000 કલાકની મિનિટો ગણીએ તો 1000×60=60000 મિનિટો તારા હાથમાં છે. હવે વિચાર કર તારા ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી અને સંગીત એમ કુલ સાત વિષયો. સંગીતને ઓપ્શન તરીકે કાઢો તો કુલ 6 વિષયો બાકી રહે. આમ 60000/6 કરો તો એક વિષય માટે 10000 મિનિટો મળે. આ મિનિટોને કલાકોમાં ફેરવીએ અને એને ફરી કલાકોમાં ફેરવીએ અને એ એક વિષય માટે એવરેજ 10 દિવસો તને મ‌ળે. આ આંકડા ડિસેમ્બર 1, 2002ના છે. સમય જેમ જેમ જતો જશે તેમ તેમ સમય પણ ઘટતો જશે એટલે હવે મહેનત અને લગન સિવાય ઉદ્ધાર થવાનો નથી.

આ આંકડાની માયાજાળ તારી સામે રજૂ કરવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે તને સમયના મૂલ્યનું ભાન થાય. ગયેલો સમય ફરીથી મળવાનો નથી. પસાર થતો એક એક દિવસ પરિક્ષાને વધુ નજીક લાવે છે. એટલે હવે બધુ જ તારા હાથમાં છે.

મમ્મી-પપ્પા ખીજાય તો અપસેટ થતો નહીં, નાના ભાઈ-બહેન સાથે તોફાન મસ્તી અને મિત્રો સાથે ટોળટપ્પા બંધ કરી દેજે. તેનો અર્થ એ નથી કે બહાર જવાનું બંધ, મોજ-મજા બંઘ પરંતુ અને માટે તારે તારી મેળે ટાઇમ ટેબલ બનાવવું પડશે. સવારના ઉઠવાથી લઇને રાત્રે સૂતી વખત સુધીના સમયની યાદી બનાવીને તેને વહેંચવું પડશે. ભણવાના, સૂવાના, ટીવી જોવાના કે ટ્યૂશનના કલાકો ફાળવવા પડશે. સ્કૂલે અને ટ્યૂશન જવાનું રાખજે. સવારે પાંચ વાગે ઉઠીને વાંચવાની જરૂર નથી પણ જેટલું વાંચે એટલી બાબત બરાબર યાદ કરી લેજે, એટલે કે હૃદયથી વાંચવાનું રાખજે.

પેપર લખવાની શરૂઆત કોર્સ પૂરો થયા પછી થશે પરંતુ સૌપ્રથમ સવાલોના જવાબ અને દાખલા ગણવાની સાચી પદ્ધતિ પકડી લેજે. સમાજવિદ્યા અને વિજ્ઞાનના પેપરમાં નવી લીટીથી નવો પ્રશ્ન શરૂ કરજે. આગળ કોઇ નિશાની રાખજે. વિધાનપૂર્તિ જેવા સવાલોમાં કાળી પેનનો ઉપયોગ કરજે. ગુજરાતીમાં વ્યાકરણ પર ખાસ ભાર આપજે. ગણિતના પેપરમાં બને તેટલી સ્વચ્છતા રાખવાનો પ્રયત્ન કરજે. આ સિવાય સ્કૂલ અને ટ્યુશનના શિક્ષકોનું માર્ગદર્શન ખાસ સાંભ‌ળજે.

આ બધા ઉપરાંત સૌથી મહત્વનું છે તારો પોતાનો આત્મવિશ્વાસ અને મનની મક્કમતા. બધી હતાશા ખંખેરીને નવેસરથી તૈયારી કરવા માંડજે. સફળતા જરૂર મળશે. પાસ કેમ ન થવાય? 60 ટકા કેમ ન આવે? બળ છે, બુદ્ધિ છે, કામ કરવાની ભાવના અને શક્તિ છે તો સફળતા મળવી જ રહી.

લિ.
તારો ભાઈ

 

આલેખન – ધ્રુવ શાસ્ત્રી (14-Mar-2019)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *