IMG-20190321-WA0002

 

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવુંજવું આવવુંજવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથએવું હું ઝાડને અડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

 

મારા પ્રિય કવિ રમેશ પારેખની આ રચના સિવાય કશું જ કહેવાનું રહી જતું નથી તેટલી અદ્ભૂત છે, એક-બે-ત્રણ-પાંચ-સાત વખત વાંચો તો પણ તેના શબ્દોમાંથી નિતરતી વસંતની મહેકને ખોબામાં ભરી લેવી શક્ય નથી. જેમ સંગીતના રાગની ઝાડ પર અસર થતી હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ છે એવી જ રીતે જો આ રચના પણ સુક્કા ઝાડને સંભળાવી હોય તો તેમાં ચોક્કસ જ કૂંપણ ફૂટે… આ જાદુ માત્ર શબ્દોનો નથી, આ જાદુ છે ફાગણની ઋતુનો, ફાગણમાં હૈયામાં ફૂટતા પ્રેમનો, પથ્થરમાંથી પણ વહેતા એ અમૃતનો…

***

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું…

આપણે પણ આવા જ કોઇ સુક્કા ઝાડ થઇ ગયા હોઇએ એવું નથી લાગતું? સુક્કુ ઝાડ જોયું છે ને? ઝાડ સુકવવા લાગે ત્યારે તેમાં તીરાડ થવા લાગે, તેના થડમાં થર થવા લાગે અને તે બહારનું પડ કડક થવા લાગે. બસ, તેની જેમ જ આપણે આપણી વ્યસ્તામાં એટલા વ્યસ્ત થઇ ગયા છીએ કે આપણા દરેક પડમાંથી પ્રેમ, લાગણી ધીરે ધીરે સુકાવવા લાગી છે. સંબંધો પણ માત્ર કહેવાના રહી ગયા છે. સવારે ઓફિસ જઇએ, સાંજે ઘરે આવીને બીજા દિવસની તૈયારી કરવા લાગીએ, રવિવાર આવે એટલે અઠવાડીયાના ભેગા થયેલા કામ પુરા કરવાના અને આખો દિવસ આરામ કરવાનો, દિવસો, વર્ષો આમ જ જતા રહે અને પછી પાણીની જેમ વહેતા આ સમય માંથી આપણા હિસ્સામાં આચમની લેવાની જ આવે. જેણે આપણને સમુદ્ર જેવું અફાટ જીવન આપ્યું તેમાંથી માત્ર આચમની લઇને કહીએ કે ‘જિંદગી તો આમ જ પુરી થઇ ગઇ!’ તો તમે બીજી કેવી અપેક્ષા રાખો છો? સમય આવી ગયો છે જ્યારે તમારે રગ-રગમાં લોહીને બદલે વહેતી વ્યસ્તતાને Good Bye કહેવું પડશે.

ક્યારેય રીંગ ટોનને બદલે કોયલના ટહુકા સાંભળીને ઉઠવું પડશે, ટચ સ્ક્રિનને બદલે લીલા ઘાંસને ટચ કરવું પડશે, બેન્ક બેલેન્સને બદલે ક્યારેક ખુશીઓના બેલેન્સની પાસબુક પ્રિન્ટ કરાવવી પડશે, એ.સી.ની ઠંડકને બદલે અગાશીનો ખુલ્લો પવન ખાવો પડશે, ફેસબુકને બદલે મિત્રોના ફેસ જોવા પડશે, વર્કચ્યુઅલ પ્રેમમાંથી કોઇને ક્રોંચ પક્ષી જેવો જીગર ફાડીને પ્રેમ કરવો પડશે, ટેન્શનના ફુગ્ગાને બદલે પાણીના ફુગ્ગાઓ ફોડવા પડશે, મોબાઈલમાં ધુળેટીના ફોટા મુકવાને બદલે ધુળેટીને મનભરીને માણવી પડશે, રંગથી ભાગતા બિકણના ઘરમાં જઇને તેને રંગવો પડશે, રંગબેરંગી પીચકારીથી શરીરના અંગ-અંગને ભીંજાવવું પડશે, જીવનના દરેક રંગને ઉમેરવા પડશે, બંને હાથ ખોલીને તેનું સ્વાગત પણ કરવું પડશે… ત્યારે જ કોઇને તમને વળગવાનું મન થાય. પ્રકૃતિને આપણી પાસે આવવાનું મન થાય. નાનું બાળક ઘરમાં એવા સદસ્ય પાસે જ જશે જે તેને સૌથી વધારે વ્હાલ કરે છે, કેમ કે તેને ખબર છે કે તેને પ્રેમ ક્યાંથી મળશે. આપણે પણ એવું બનવું પડશે જેને જોઇને બધુ ભુલી જવાનું મન થાય, તને કારણવગર વળગી પડવાનું મન થાય અને જ્યારે જ્યારે તને વળગું છું ને ત્યારે ત્યારે મને લાગે છે કે તે મારી દરેક સુષ્કતા તણે ચૂસી લીધી હોય, અંદરના અજવાળામાં હજારો દિવાઓ પ્રગટવા લાગ્યા હોય, અચાનક હજારો કુંપણ ફૂંટવા લાગતી હોય…

***

આપણા તો ભગવાન પણ એટલા જ મોજીલા અને રંગીન, જે ક્યારેય નીરાશ થઇને હારી જતા કે સુકાયેલું જીવન ન જીવવા દે એવા… ભગવાન કૃષ્ણનું સમગ્ર જીવન જોઇ લો, તેમના એક એક શ્વાસે તમને જીવનની મધુરતા દેખાય, માત્ર ગીતાનો ઉપદેશ નથી આપ્યો, ગોપીઓ સાથે રાસ રમ્યા, મથુરા-વૃંદાવનમાં રંગોથી શરીરના અંગ અંગને, કણ-કણને પ્રેમના રંગમાં રંગી નાખ્યું. તમે ક્યારેય નાથદ્વારા જાવ તો જોજો કે ભગવાનને દરેક ભોગ વખતે નવો શણગાર, નવા આભુષણ, તેમની સાદાયમાં પણ તમને ઠાઠનો અનુભવ થાય, હોળીના એક મહિના પહેલાથી ભગવાચન સાથે હોળી રમવાની શરૂ થઇ જાય. ભગવાન ફૂલોથી અને રંગથી ધુળેટી રમે એવું આપણે ત્યાં જ શક્ય છે કારણ કે અહીંના ઇશ્વર પણ મારી અને તમારી જેમ ઉત્સવપ્રિય છે. આજે પણ ઉત્તર ભારતમાં જે રીતે ધુળેટી રમવામાં આવે છે તમે તેના રંગમાં રંગાઈ જાવ પછી જ્ઞાનીઓ તેને જે વ્યાખ્યા આપવી હોય તે આપે, પ્રેમ કહો, ભક્તિ કહો, સમાધિ કહો, ગાંડપણ કહો, મુરખા કહો પણ આ બધુ જ કહો પણ અંતે તો જીવનની ઘોર શુષ્કતા સામે વિવિધ રંગોનો ભવ્ય વિજય જ છે.

***

આપણી આસપાસ ક્યારેય જોશું તો લાગશે કે પ્રકૃતિને એકની એક ઘરેડથી ગુસ્સો છે, તે ક્યાંક પુર લાવશે તો ક્યાંક દુષ્કળ લાવશે, ક્યાંક લાવા કાઢશે તો ક્યાંય સુનામી લાવશે. ક્યાંક નવા-નવા ફુલો ખીલશે તો ક્યાંક કેટલાય ફુલો મુરજાઇ જશે. શિયાળો આવે ને ફરી ગરમી પડે તો પાછો ધોધમાર વરસાદ પણ પડે… બોલો… ‘દિન દિને નવં નવં’ એમ જ દરરોજ ક્યાંક નવું થયા કરે છે બસ એવી જ રીતે પ્રકૃતિ પણ આપણને દરરોજ નવું જીવન આપે છે, દરેક રંગોને પોતાનામાં સમાવી લેવાની તક આપે છે. તો આપણે પણ આ ફાગણમાં પ્રકૃતિને મન ભરીને માણી લઇએ, આપણામાં પડેલી વર્ષોની શુષ્કતામાં નવી લીલાશ ભરી દઇએ, કેસુડાના રંગથી રુવાંટીને રંગી દઇએ.

એકવાર દિલથી ધુળેટી રમીને કાચ જોજો, જાતે જ ફાગણના બદલાવ ખબર પડી જશે

***

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો.. ફાગણ ફોરમતો આયો…

લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના… પર લહેરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો..

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો.. ફાગણ ફોરમતો આયો…

ચારેકોર ઘુમતાને લઇ લઇ પીચકારી હોળીનો ગુલાલ રચાયો
સરરર રંગ છુટે લાડકડો લાડ લૂટે, ઉરમાં ઉમંગ સમાયો..

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..ફાગણ ફોરમતો આયો…

ગોરી ગોરા છોરા છોરી કરતાજી ડોરાડોરી ફાગણને લેતા વધાયો
હોળી કેરાં રસ ઘેલાં હેતમાં હરખ ઘેલાં લૂંટે લાડ લૂંટાયો
ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો.. ફાગણ ફોરમતો આયો…

એના રંગે મલક રંગાયો
રે આયો.. ફાગણ ફોરમતો આયો…

જોડે રે’જો રાજ..
તમે કિયા તે ભાઇના ગોરી, કોની વઉ.. જોડે રે’જો રાજ..

જોડે નંઇ રે’વુ રાજ..
હે મને શરમના શેરડા ફૂટે, જોડે દીવો બળે હો રાજ..

તહુ (ત્યા) દમક દમક દાદુર ડણ ડમકત,
ગડડ મોર મલ્હાર ઘીરા
પીયુ પીયુ શબદ પુકારત ચાતક,
પીયુ પીયુ કોકિલ કંઠ ઘીરા.

તહુ ગડડ ગડડ નભ હોત ગડાકા
ને ઘણણણ ગિરિવર શિખર દડે
સૌ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરસા
ગડડ ગડડ ઘન ઘોર ગરજે

 

આલેખન – ધ્રુવ શાસ્ત્રી (21-Mar-2019)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *