2018-05-08_01.00.49

આ વર્ષે દુનિયાભરમાં શિયાળો તોડી નાખે એવો જોરદાર રહ્યો. એક તરફ ચારે તરફ શુષ્કતા ફેલાવીને હવે શિયાળો ધીમે ધીમે તેનો સામાન બાંધી વિદાય લેશે ત્યારે બીજી તરફ તાજગી અને આનંદનું વાતાવરણ લઇ આગમન કરશે વસંત. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે, ‘ઋતુઓમાં હું વસંત છું’. આ વસંત એટલે પ્રેમ, ઉત્સવ અને લાગણીની ઋતુ. વાતાવરણમાં અલગ લાગણીનો અહેસાસ થવા લાગે, વૃક્ષમાં નવા પાન આવે, નવા ફૂલ આવે, નીરાશ અને હારી ગયેલા જીવનમાં આશાનો નવો સંચાર કરે છે આ વસંત. કવિ રમેશ પારેખ લખે છે કે,
‘‘સાવ રે સુક્કા ઝાડને જોઇ થાય કે એને ચાલ,
હું લીલું પાંદડું બની વળગી પડું’’

આ વસંતનો પહેલો દિવસ એટલે ‘વસંત પંચમી’. મહાકવિ કાલીદાસે ‘અભિજ્ઞાન શાકુંતલમ્’માં વસંત ઋતુનું આહલાદ્ક વર્ણન કર્યું છે સાથે જ કવિ ‘ઋતુ સંહારમ્’માં વસંત ઋતુને ‘કામદેવની ઋતુ’ તરીકે સંબોધન કરે છે, તો ‘કુમાર સંભવમ્’માં શિવજીના મધુર દાંપત્યનું અલૌકિક વર્ણન કર્યું છે. ગુજરાતી સાહિત્યમાં એક અજ્ઞાત કવિએ લખેલું ફાગુ કાવ્ય ‘વસંત વિલાસ’ શુષ્ક હૈયામાં પણ પ્રેમની સુનામી લાવે તેવું અદ્ભૂત છે.

વસંત એટલે પ્રેમ કરવાનો મહિનો. (પણ હવે અર્થ જરા બદલાયો છે) ભાઈ, આ તો ફેબ્રુઆરી મહિનો છે, 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે આવે… અને હાં, આ 14મી તારીખ આવે તેના એક અઠવાડીયા પહેલા વિવિધ પ્રકાર ‘ડે’ આવે. રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે અને છેલ્લે આવે વેલેન્ટાઈન ડે… આ ‘ડે’ માં પ્રેમિકાને વિવિધ પ્રકારની ગિફ્ટ આપી આપીને છોકરાના ખિસ્સું દેવાળું ચોક્કસ થઇ જાય. કોલેજમાં સાથે ભણતા હોય ત્યારે આ બધુ એક સપનાની હકીકત જેવું વાસ્તવિક લાગે. જે બે લોકો એક ક્ષણ પણ જુદા રહેવા તૈયાર ન હોય એ જ બંને લોકોને હવે એકબીજાના મોઢા પણ જોવા ન ગમે, ધીમે ધીમે પ્રેમની અલગ અલગ વ્યાખ્યાઓ સમજાવવા લાગે, આકાશ અને જમીન વચ્ચેનું અંતર કેટલું વિશાળ છે તેનો અહેસાસ થવા લાગે અને જે પ્રેમમાં લાલ ગુલાબની મહેક આવતી હતી એ જ પ્રેમમાં હવે ખુલ્લી ગટર જેવી દુર્ગંઘ આવવા લાગે… તો શું આ પ્રેમ નથી?

મરીઝ સાહેબ કહે છે કે,
‘‘એકાદ હો તો એને છુપાવી શકું, મરીઝ
આ પ્રેમ છે અને તેના પુરાવા હજાર છે’’

પ્રેમ તો પાણી જેવો નિર્મળ છે, કોઇ રંગ, કોઇ આકાર, કોઇ ગંધ નથી છતાં જે આકારમાં ઢાળો તે આકારમાં ઢળી જાય, બધાની સાથે ભળી જાય એટલું જ નહીં જમીનમાં નાખો તો નવું જીવન આપે, તરસ્યાને આપો તો ટાઢક આપે અને શરીર પર નાખો તો તાજગી આપે.

પ્રેમ તો હવાની જેમ વ્યાપ્ત છે, ગમે તેટલો બાંધવાનો પ્રયત્ન કરો, ક્યારેય બંધાવાનો નથી અને ખાસ વાત તો એ છે કે હંમેશા હોવા છતાં કોઇને દેખાતો નથી, પોતાની હાજરીને બધા સાથે ભેળવી દે પણ સતત તમારા શરીરને ચેતનવંતુ રાખ્યા કરે.

પ્રેમ તો અગ્નિની જેવો પવિત્ર છે, તેમાં કંઇપણ પ્રેમથી આહુત કરો તો બધુ જ સ્વિકાર કરી તેને પવિત્ર કરી દે, પ્રેમ તમને અગ્નિની જેમ રક્ષણ પણ આપે અને ક્રોધમાં ભરાય તો ભસ્મ પણ કરી શકે છે.

પ્રેમ પૃથ્વિ જેમ સહનશીલ છે, સાચો પ્રેમ પૃથ્વિની જેમ બધુ જ સહન કરે છે, પ્રેમ કોઇપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર બસ પોતાના પ્રેમની પખડે મજબૂતાઈથી ઉભો રહે છે.

પ્રેમ આકાશ જેવો વ્યાપ્ત છે, પ્રેમ કોઇ સંબંધ, કોઇ વ્યક્તિ કે કોઇપણ પ્રકારના બંધનોની સીમામાં બાંધી ન શકાય એટલો વ્યાપ્ત છે. પ્રેમ સમગ્ર વિશ્વને એક કુટુંબની જેમ એકત્ર રાખી શકે છે.

પણ આ પ્રેમ શિવજીની ગળતીની જેમ ધીમો ધીમો પણ સતત અને એકધારો મળતો રહે તો જીવનની કોઇપણ મુશ્કેલ ઘડીમાં પણ નવી દિશા ચિંધતો રહે પણ એ જ પ્રેમ જો પ્રચંડ ધોધની જેમ આવે તો ક્ષણિક આનંદ પછી તે વર્ષોની ધીરજથી રચેલા સંસારને પળવારમાં ઉજ્જડ બનાવી શકે છે. કદાચ બુદ્ધિની સીમા જ્યાં પૂરી થાય છે ત્યાંથી જ પ્રેમનો સંસાર શરૂ થાય, જ્યાં કોઇ હિસાબ કે વ્યવહાર નથી, લેણ-દેણ કે આપ-લે નથી, બસ છે તો માત્રને માત્ર પૂર્ણ સમર્પણ. એવું સમર્પણ કે જ્યાં કોઇ શંકા નથી. હું અને તું નામના બંધન નથી પણ માત્ર છે તો હોવાપણાનો મધુર અહેસાસ.

પ્રેમ એક જ એવો સંબંધ છે જેમાં શબ્દો કરતા તમારી આંખો વધારે બોલે, તમારું મૌન પણ એટલું શાબ્દીક લાગે કે તમારે કંઇ કહેવાની જરૂર ન પડે. કંઇ કહ્યા વગર જ બધુ જ સમજાય જાય. આ સંબંધમાં ધીરે ધીરે એવી તો સમજણ ઉમેરાય કે ફરિયાદના સ્તરને ક્યાંય પાછળ છોડીને જીવન પ્રેમનો પ્રસાદ લાગવા લાગે. જીવન એકબીજામાં એવું ઓગળી જાય કે પછી અહમ જેવું કંઇ બચ્યું જ નહોય. એટલે જ પ્રેમ એટલે ‘હું થી અમે’ સુધીની યાત્રા. બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી શરૂ કરીને ગમે તેટલી ભીડમાં પણ મારા બાળકને શું જોઇએ છે માતાને પળવારમાં ખબર પડી જાય છે. કંઇ કહ્યા વગર મનગમતી વાનગીઓ બની જાય, કોઇ આલાર્મ વગર વહેલી ઉઠીને સમયસર ટીફિન બની જાય, કહ્યા વગર મોબાઈલનું રિચાર્જ થઇ જાય, અચાનક તમારા ઘરેથી નાસ્તાથી ભરેલો ડબો આવી જાય અને તમે સ્ટેજ પર ઉભા હોવને તો ખુશીથી આંખોમાં ગંગાજી પ્રગટ થઇ જાય અને જો ખોટું કર્યું હોય તો બે દિવસ એ નમેલી આંખો કદાચ જીવનના નવા દ્વાર ખોલી આપે.

પ્રેમ એવો અહેસાસ છે જે સૂકા રણમાં પણ પૂર લાવી શકે છે. પરિસ્થિતિ સામે હારેલા પતિને પત્ની હાથ દબાવીને માત્ર એટલું જ કહે કે, ‘હું છું ને’ ત્યારે આ શબ્દો કોઇ સંજીવીનીથી ઓછા નથી. કોઇપણ મુશ્કેલી સામે લડવાની શક્તિ જ પ્રેમ છે. પહેલા લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, મોટો પરિવાર હોય અને આવક ઓછી હોય છતાં ક્યારેય બ્લડ પ્રેશર કે હાઇપર ટેન્શન જેવી મુશ્કેલીનો સામનો ન્હોતો કરવો પડતો કારણ કે દુ:ખને વહેંચનાર અનેક લોકો તેની પડખે ઉભા રહેતા. જેટલું મળ્યું એટલું સુખ પણ આપણું અને દુ:ખ પણ આપણું. ભલે જુદા જુદા શહેરમાં વસતા હશે પણ મુશ્કેલી પડતાં આખું ઘર પહાડની જેમ મુશ્કેલી સામે લડવા તૈયાર થઇ જાય. આ અહેસાસ કુટુંબને મજબૂત પ્રેમના તાંતણે બાંધી રાખતો. ‘હું એકલો નથી’ આ વિશ્વાસ જ પ્રેમની સૌથી મોટી અનુભૂતિ છે.

પ્રેમ એવી લાગણી છે જેમાં જીવનભર બંધાઈ રહેવું ગમે. કોઇપણ પ્રકારના ભવિષ્યની ચિંતા કર્યા વગર દરેક પળમાં આનંદથી જીવવું ગમે. ગમે એટલા દુ:ખમાં પણ સુખને શોધી લેવું ગમે. તેની સાથે કોઇપણ પરિસ્થિતિમાં રહેવું ગમે. તેની સાથે હોઇએ ત્યારે એવું લાગે કે સમય થોડી વાર ઉભો રહી જાય થોડીવાર હજુ મને ધરાઈને જોઇ લેવા દે, માણી લેવા દે. કંઇ જ ન હોવા છતાં ‘ન હોવાનો’ આનંદ ઉજવે એ પ્રેમ. દિવસભર મજૂરી કર્યા પછી સાંજે પત્નીના હાથનો, પત્નીની મહેતનનો અને પત્નીએ ખુશીથી બનાવેલા એ કટકો રોટલા સામે છપ્પનભોગ પણ ફીક્કા લાગતા હશે. કદાચ આ તાંતણે જ ભગવાન કૃષ્ણના એક ભાતના દાણામાં તૃપ્તિનો ઓડકાર આવ્યો હશે. ભગવાન શંકર જેવા વૈરાગીને પણ બે વાર લગ્ન કરવા મજબૂર કરે તે લાગણી ખરેખર કેવી હશે? જ્ઞાનના ભારને લઇને વૃંદાવન ગયેલા ઉદ્ધવજીને ગોપીઓએ એવું તો શું શિખવ્યું હશે? શકુંતલાને વિદાય કરતી વેળા વિશ્વામિત્ર ઋષિને શું થયું હશે? અનેક પટરાણી હોવા છતાં રાધાનો વિરહ કેટલો સતાવતો હશે? ઉર્મિલાએ 14 વર્ષ કેવી રીતે વિતાવ્યા હશે? મીરાં બાઈએ હસતા હસતા ઝેરનો કટોરો કેવી રીતે પીધો હશે? 20-22 વર્ષની ઉંમરે ફાંસીના માંચડાને આલિંગન કરનારની ખુમારી કેવી હશે? આ એવા લાગણીના તાંતણે બંધાયા હશે જેમાં વિરહમાં પણ આનંદનો અનુભવ થતો હશે. જેમાં ન પામ્યાના દુ:ખ કરતા જે મળ્યું તેનો આનંદ ક્ષણે ક્ષણ જીવનના એ અવર્ણનીય આનંદની અનુભૂતિ આપે છે.

સ્થળ, સમય કે ઉંમર પ્રેમમાં ક્યારેય બાધ્ય નથી રહેતા પ્રેમ દિવસને દિવસે યુવાન બનતો જાય છે. કોઇનું ન હોવું પણ સતત સાથે હોવાનો અહેસાસ કરાવે છે, એવું લાગ્યા કરે કે તે મારી સાથે વાત કરે છે, મારા દરેક સવાલનો જવાબ આપે છે. એવો અહેસાસ થાય કે તુ મારી આસપાસ જ ક્યાંક છે. બે હાથ ખોલીને તેને યાદ કરો તો એવું લાગે છે છાતીમાં ગરમાવો વધી ગયો છે. આ અહેસાસ જ પ્રેમ છે. અમીર ખુશરો કહે છે કે, जब यार देखा नैन भर दिल की गई चिंता उतर આ કેવું તત્વ હશે, આ કેવી લાગણી હશે કે માત્ર પ્રેમીને જોવાથી બધી જ ચિંતા ઉતરી જાય! આસપાસની દુનિયાનું ભાન ભૂલીને બસ તારામાં ખોવાઈ જવાનો એ અહેસાસ ખરેખર કેવો હશે… કબીર સાહેબ કહે છે કે, पोथी पढ़ि पढ़ि जग मुआ, पंडित भया न कोइ। ढाई आखर प्रेम का, पढ़े सो पंडित होय॥ હનુમાનજી, શબરીથી લઇને ભરત, સૂરદાસ, તુલસીદાસ, રામદાસ, હરિદાસ, એકનાથ, તુકારામ, જેસલ જાડેજા, નરસિંહ મહેતા, શેઠ શગાળશા, મનસુખ માસ્તર જેવા અનેક ભક્તોએ કોઇ વેદ, ઉપનીષદ કે શાસ્ત્રનું જ્ઞાન નથી લીધું પણ પ્રેમના એવા અમૃતનું પાન કર્યું કે દુનિયાનું તમામ જ્ઞાન માત્ર પુસ્તક બનીને રહી ગયું. સૂરદાસજી કહે છે કે,
सबसे ऊंची प्रेम सगाई…
दुर्योधन के मेवा त्याग्यो, साग विदुर घर खाई |
जूठे फल शबरी के खाये, बहु विधि स्वाद बताई |
राजसूय यज्ञ युधिष्ठिर कीन्हा, तामे जूठ उठाई |
प्रेम के बस पारथ रथ हांक्यो, भूल गये ठकुराई |
ऐसी प्रीत बढ़ी वृन्दावन, गोपियन नाच नचाई |
प्रेम के बस नृप सेवा कीन्हीं, आप बने हरि नाई |
सूर क्रूर एहि लायक नाहीं, केहि लगो करहुं बड़ाई |

એકવાત ચોક્કસ છે કે પ્રેમ ક્યારેય રિટાયર્ડ થતો નથી કે થવા દેતો નથી. સુરેશ દલાલ કહેતા કે, ‘પ્રેમ એવી વ્યક્તિને કરવો કે જેની સાથે તમને વૃદ્ધ થવું ગમે’ જેની સાથે યુવાનીનો સંઘર્ષ, ગમા-અણગમા, રિસામણા-મનામણા આ બધુ જ કર્યા પછી જીવનની ઢળતી સંધ્યાએ એ સ્મૃતિઓ વાગોળતા વાગોળતા ફરી જુવાન થઇ જવાની ઇચ્છા થાય, ફરી ફરી એ પ્રેમને જીવવાની ઇચ્છા થાય, ફરી જીવી લેવાની અને લડી લેવાની ઇચ્છા થઇ જાય.

આલેખન – ધ્રુવ શાસ્ત્રી (12-Feb-2019)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *