pothi2

આજે વિશ્વ્ માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યો છે. આપણે જાણવું જરુરી બની જાય છે કે આપણી ભાષા, આપણા ઇતિહાસ ની જાણવણી સદીઓથી કેવી રીતે થતી આવી રહી છે.

ગુજરાતની હસ્તલિખિત પોથીઓ

ઉત્તર ભારતની સંગીતકળા માટે જૂના કાળે એક ઉક્તિ જાણીતી હતી:
‘ઘર ઘર ઢોલકી, ઘર ઘર તાન;
ઉસકા નામ હિંદુસ્તાન.’

માત્ર સંગીત જ નહીં પણ વિધા , કલા, સંસ્કાર અને સંસ્કૃતિની દ્રષ્ટિએ જગત આખામાં ભારતનો જોટો જડે એમ નથી. ભારત પાસે શિલ્પ, સ્થાપત્ય, જ્ઞાનવિજ્ઞાન , વિધા અને સાહિત્યના પ્રાચીન ગ્રંથો અને ચિત્રિત પોથીઓનો સમૃદ્ધ વારસો છે, નિજી સાંસ્કૃતિક વિરાસત છે. આ વિરાસતની જ વાત કરીએ તો માત્ર હસ્તલિખિત પોથીઓની સમૃદ્ધિની દૃષ્ટિએ પણ ભારત વિશ્વભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે, અહીં પોથીઓના શ્રી ગણેશ માંડ્યા છે. એટલે પોથી શબ્દનો અર્થ પણ જાણી લઈએ પ્રાકૃત્તિમાં પોલ્વિયા અને સંસ્કૃતમાં જેને પુસ્તિકા કહીએ છીએ એને માટે ગુજરાતીમાં પોથી શબ્દ વપરાય છે. પોથી એટલે ચોપડી, પુસ્તક, ગ્રંથ, ધર્મનું પુસ્તક, છાપેલાં લખેલાં છૂટાં પાનાંનો સંગ્રહ. લૂગડાના કટકામાં બાંધેલું હસ્તલિખિત કે છાપેલું પુસ્તક અથવા હસ્તપ્રતનાં પાનાંપોથી સાથે જોડાયેલી એક-બે મજાની કહેવતો પણ મળે છે. ‘પોથી પંડિત હોવું’ અભ્યાસમાં નિરંતર રત રહેનાર વ્યક્તિ કે વિદ્વાન માટે કહેવાય છે. ‘પોથીમાંનાં રીંગણાં’ બીજાને ઉપદેશ દેવાનો પણ જાતે આચરણ નહીં કરવાનું એને માટે વપરાય છે.

એક સર્વેક્ષણ અનુસાર ભારતીય જ્ઞાન ભંડારોમાં આશરે ૪૦ લાખ જેટલી હસ્તપ્રતો હાંફતી પડી હોવાનું કહેવાય છે. માત્ર ગુજરાતમાં જ દસ લાખ જેટલી હસ્તપોથીઓ હોવાનું અનુમાન છે. સને ૨૦૦૬ના વર્ષમાં ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત હસ્તપ્રત મિશન દ્વારા ગુજરાત રાજ્યમાં હસ્તપોથીઓની શોધ-સર્વેક્ષણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં રાજ્યના ૧૮ જિલ્લાઓમાંથી આઠ લાખ જેટલી અલભ્ય હસ્તપોથીઓનો ખજાનો ખૂલવા પામ્યો હતો. ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પ૪,૯૧૧ જેટલી હસ્તપોથીઓ હાથ લાગી હતી.
પ્રાચીન ભારતીય જ્ઞાન ભંડારોમાંથી આયુર્વેદ, મંત્ર તંત્ર, જ્યોતિષ, કળા, વિજ્ઞાન, ઈતિહાસ, ઔષધ, સાહિત્ય, દર્શન, ખગોળ, વર્ષાવિજ્ઞાન, અને વિધાઓના વિવિધ વિષયો પર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અરબી, જૂની, ગુજરાતી, ફારસી, કન્નડ, તેલગુ, મલયાલમાં જેવી ભાષામાં અને બ્રાહ્મી, દેવનાગરી અને બોડિયા અક્ષરોમાં લખાયેલી હસ્તપોથીઓ. સંપ્રાપ્ત થઈ છે. એને જાળવવાનું પુણ્યકાર્ય કેટલાક જૈનાચાર્યો, જેન સંસ્થાઓ, કલાપ્રેમી. રાજવીઓ, સાહિત્ય, કળાના શોખીન કળાપ્રિય નાગરિકો અને સંગ્રહાલયો દ્વારા થયું છે એ આનંદ અને ગૌરવની વાત છે. જૈન જ્ઞાનભંડારોમાં જૈન-જૈનેતર કૃતિઓનો તરોવરો કર્યા વગર સમગ્ર ભારતીય સાહિત્ય પૈકી જે કંઈ પ્રાપ્ત થયું છે, તેને જાળવવાના નિષ્ઠાભર્યા પ્રયત્નો થયા છે તેની નોંધ લેવી ઘટે.

pothi 1
આપણે ત્યાં છાપખાનાંઓ શરૂ થયાં તેનાં સેંકડો વર્ષ અગાઉ લહિયાઓ દ્વારા પવિત્ર શાસ્ત્રગ્રંથો લખાવવાની અને તેને અત્યંત આદરપૂર્વકજાળવી રાખવાની પ્રથા અસ્તિત્વમાં હતી. આમ હસ્તપોથીઓ, હસ્તપ્રતો અને તેની પ્રતિલિપિઓ કરનાર લહિયાઓની આગવી અને પ્રાચીન પરંપરા રહેવા પામી છે. પાંચમીથી આઠમી સદી પર્યંત સૌરાષ્ટ્રનું વલ્લભીપુર બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધવિદ્યાઓનું મહા કેન્દ્ર હતું. એ વખતે ઈ.સ. ૪૫૩માં દેવર્ધિગણ ક્ષમાક્ષમણના અધ્યક્ષસ્થાને ત્યાં જૈન પરિષદ મળી હતી. એ સમયે સમગ્ર જૈનશાસ્ત્રોને લિપિબદ્ધ કરીને તેની પ્રતિઓ દેશના વિવિધ ભાગોમાં મોક્લવામાં આવી હતી. આરબોના. આક્રમણ પછી વલ્લભીપુરની બચેલી હસ્તપ્રતોની નકલો કરીને પાટણ લાવવા માટે સિદ્ધરાજ જયસિંહે (ઈ.સ. ૧૦૯૪થી ૧૧૪૩) ત્રણસો લહિયાઓ પાસે હસ્તપોથીઓની નતિકૃતિઓ કરાવી હતી ,જૈન આગમ ગ્રંથોની રચના મગધમાં થઈ પણ છેવટનું સંક્લન કુમારપાળના રાજ્યકાળ (ઈ.સ. ૧૧૪૩ થી ૧૧૭૪) દરમ્યાન પાટણમાં થયું. હેમચંદ્રાચાર્ય આદિ વિદ્વાનો, પંડિતો રાત-દિવસ ગ્રંથોની. રચના કરતા. એક મોટા સ્થાને શાહીની
પડનાળ ભરેલી રહેતી. તેમાંથી લહિયાઓ ગ્રંથોની નકલો ઉતારવામાં રચ્યાપચ્યા રહેતા. એમ કહેવાય છે કે, સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ વ્યાકરણની સવાલાખ નકલો તૈયાર કરાવી વિદ્યાકેન્દ્રોમાં મોકલાવી હતી. પાંચમીથી ઓગણીસમી સદીની અનેક પાંડુલિપિઓ ભોજપત્ર , તાડપત્ર અને ચર્મપત્રપર ઉપલબ્ધ થાય છે. ગુજરાતમાં ૧૧મી , ૧૨મી સદીથી કાગળ પર હસ્તપ્રતો તૈયાર થતી હતી. આવી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે જયપુર પાસેના સાંગાનેર ગામનો શણના માવામાંથી બનાવેલો હાથ બનાવટનો સાંગનેરી કાગળ જ વપરાય છે. એમ કહેવાય છે કે આ કાગળ 900થી ૮૦૦ વર્ષ સુધી ટકે છે, કાગળની સાથે ખાસ પ્રકારની શાહી અને ક્લમ જોઈએ, એની વિગત આપતા શ્વેતા શાહ નોંધે છે કે તાંબા અથવા કાંસાના દીવામાં તલનું તેલ નાખી દીવાને ચારે બાજુથી ઢાંકી દઈ ઉપરની બાજુએ કાંસાની થાળી ધરી મેશ ભેગી કરવામાં આવે છે, ૧૦૦ ગ્રામ મેશ દીઠ ૧૫૦ ગ્રામ હીરાબોળ , ૨૫૦ ગ્રામ દેશી બાવળ કે લીંબડાનો ગુંદર લઈ ત્રણેયના મિશ્રણને કાંસાના વાસણમાં પલાળી રાખી અકીક વડે ઘંટીને અસલ દેશી શાહી બનાવવામાં આવે છે.

ભોજપત્ર અને તાડપત્ર માટે જુદી શાહી જોઇએ, એના માટે બદામનાં ફોતરાંની રાખ બનાવી, તેને ગોમૂત્રમાં ઉકાળીને કાજળ, ગુંદર, લાખ, હીરાબોળ, હરડાં-બહેડાં, | ભાંગરો વગેરે નાખીને કાળી શાહી બનાવાતી. જ્યારે લાલ શાહી અળતો કે હિંગળોકમાંથી બનાવાતી. હરતાલમાંથી પીળી અને સોના- ચાંદીના વરખમાંથી સોનેરી રૂપેરી શાહી બનતી. એની વિવિધ રીતો પ્રાચીન ભારતીય ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. આ બધી શાહી ‘ઘમષી ‘ કહેવાતી.

હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે લહિયાઓ આઠ-નવ આંગળની કાળા બરું, ધોળા બરું, વાંસની જાતના બરું, તજિયાના બરુમાંથી બનાવેલી ખાસ  કલમ કે કિરો વાપરતા. તેને “ઘવતરણું’ કહેતા. આવી કલાપૂર્ણ પોથીઓ તૈયાર કરવા માટે લહિયાને મણીપાત્ર અર્થાત ખડિયો, કલમ, શાહી, કાગળ , આંકવાનું ઉપકરણ ધફાંટિયું અથતિ આંકણી, કેશ-માથાના વાળ, કાંબળ-બેસવા ઊનનું આસન, કુશ અર્થાત પવિત્ર ડાભ, કૃ પાણિકા-છરી, કાતર, કાષ્ટપાટી-પાનાં મૂકીને લખવા લાકડાની પાટી , કીકી-સારી દૃષ્ટિ આંખ, કોટડી – હવા ઉજાસવાળી જગા, કલમદાન- કલમ, કાતર, છરી મૂકવા. ક્રમણ પલાંઠી મારીને બેસી શકાય તેવા સાબૂત પગ, કટિ-ટટ્ટાર બેસીને લખવા માટે મજબૂત કમર, કાંકરો-છરીની ધાર કાઢવાનો પથ્થર. આમ હાથ હૈયું, અંગ ને આ બધી વસ્તુઓ એકરૂપ થતી ત્યારે એક કલાપૂર્ણ હસ્તપ્રતનું સર્જના થતું. આવી મહામૂલી કૃતિઓના કદરદાનો પણ એ કાળે હતા. આજથી ૧૦૦ વર્ષ પહેલાં મહારાજા સયાજીરાવ ત્રીજાના સમયમાં રાજ્યમાં હસ્તપ્રતોને સાચવવા માટે વ્યસ્થિતા સંદૂકો નહોતી. ત્યારે મહારાજાએ કહ્યું કે ‘હીરા, માણેક ને ઝરઝવેરાતનાં આભૂષણો અન્યત્ર મૂકો અને એ કબાટો હસ્તપ્રતોની જાળવણી માટે વાપરો.” આવાં જતન થાય તો આ વારસો જળવાય અન્યથા જીવજંતુઓ ઓહિયા કરી જાય.

જૂનાકાળે ગૃહસ્થીઓ વ્યવસાય અને કુટુંબ જંજાળમાં રત રહેવા છતાં શ્રુતજ્ઞાન માટે દ્રવ્ય ખરચીને પુણ્યની પ્રાપ્તિ માટે ધાર્મિક પોથીઓ લખાવતાં, પણ માવજતના અભાવે કાળક્રમે તે નાશ પામતી અને નદીઓમાં પધરાવી દેવાતી, ગામડાંઓમાં ગોરજીઓ, યતિઓ, પૂજારીઓ એને જીવની પેઠે જતન કરીને જાળવતા. ઊધઈ, ભેજ કે અન્ય જંતુઓથી પોથીઓને બચાવવા માટે જંતુનાશક દવાઓને બદલે ઘોડાવજ, કાળીજીરીની પોટલી, સાપની કાંચળી, તમાકુ, તુલસી, લીમડાનાં પાન કે લોબાન જેવી દેશી અહિંસક વસ્તુઓ ઉપયોગમાં લેવાતી. આ પોથીઓ માટે કરાવેલા કબાટો પણ બેનમૂના છે. ખંભાતના જૈન જ્ઞાનભંડારોમાંથી કેટલાંક ખૂબ સુંદર બારીક નકશીવાળા બાટો મળી આવ્યા છે. આ કબાટોમાં એક ગ્રંથને બે પૂંઠાની પાટલીઓની વચમાં મૂકીને તેના પર મજબૂત રીતે પોથીબંધનના નામે ઓળખાતા દોરી (પાટી) વાળા રૂમાલ વીંટવામાં આવ્યો છે. કબાટના દરેક ખાનામાં ગંધારા વજના ચૂર્ણની મજાની પોટલીઓ. બાંધીને મૂકેલી છે. ગુજરાતમાં જ્ઞાનભંડારોની પરંપરા વલ્લભીપુર અને શ્રીમાલથી ચાલી આવે છે. માળવાની સારસ્વત સમૃદ્ધિ ઉપરથી પ્રેરણા લઈને સિદ્ધરાજ અને કુમારપાળે રાજ્ય તરફથી હસ્તપોથીઓના જ્ઞાનભંડારો સ્થાપ્યા. હતા. આજે અમદાવાદ, પાટણ, વડોદરા, કોબા અને છાણીના જ્ઞાનભંડારોમાં ૧૨મીથી લઈને ૧૯મી સદી સુધીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષામાં લખાયેલ પોથીઓ સચવાઈ છે. ર્ડો. જયકુમાર શુકલ લખે છે કે ગુજરાતના જૈન જ્ઞાનભંડારોમાં અંદાજિત ચાર લાખ જેટલી હસ્તપ્રતોનો સંગ્રહ છે. આ બધી હસ્તપ્રતો. ઈતિહાસ અને સંરકૃતિના આલેખનના સાધના તરીકે બહુમૂલ્ય ધરાવે છે. પાટણનાં બધાં જ્ઞાનભંડારોમાં 30 હજાર જેટલી પોથીઓ છે.

અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં આશરે ૫૫ હજાર જેટલી સચિત્ર હસ્તપ્રતપોથીઓ સચવાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ગુજરાતી ભવનમાં ૨૦ હજાર જેટલી, અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં ફારસી, અરબી, પ્રાકૃત , સંસ્કૃત, હિંદી અને જૂની ગુજરાતી ભાષાની ૧૦ હજાર જેટલી જ્ઞાનપોથીઓ જળવાઈ છે. વડોદરાના પ્રાચીન વિદ્યામંદિરમાં ર૭ હજાર જેટલી તેલગુ, કન્નડ, બંગાળી મલયાલમ અને ઉડિયા ભાષાની પોથીઓ જળવાયેલી છે. ખંભાતના જ્ઞાનભંડારોમાં ૧૫ હજાર જેટલી હાથપોથીઓમાં કેટલીક તાડપત્રીય પ્રતો અને કેટલીક સંસ્કૃત, પ્રાકૃતમાં લખાયેલી ૧૨મી , ૧૪મી સદીની અલભ્ય પોથીઓ જોવા મળે છે. પાલિતાણાના જૈન મ્યુઝિયમમાં આશરે ૧૦૦૦ વર્ષ અગાઉ હાથે લખાયેલું કલ્પસૂત્ર દર્શન માટે મૂકાયું છે. તેના ભાતીગળ રંગો આજેય એવા ને એવા તરોતાજા છે. વડોદરાના છાણી ગામના ત્રણ ભંડારો પૈકીના કાંતિ- વિજયજીના સંગ્રહમાં ચાંદીની શાહીથી લખેલી ૧૭મી સદીની કલ્પસૂત્રની હસ્તપ્રત  પણ નોંધનીય ગણાય છે. હેમચંદ્રાચાર્યના જ્ઞાનમંદિરમાં સોના-ચાંદીની શાહીથી લખાયેલી હાથપોથીઓ છે. જામનગરની આયુર્વેદ યુનિ. સુરત સરદાર પટેલ સંગ્રહસ્થાન, લીંમડી, ભાવનગર, જૂનાગઢ વગેરે સ્થાનોએ હજારો હસ્તપોથીઓ દ્વારા આપણો વિદ્યાવારસો સચવાયો છે.

આભાર – ગુજરાત ઇન્ફર્મેશન કમિશન, ગાંધીનગર

પુસ્તક – ગુજરાતની લોકસંસ્કૃતિ વિરાસત  

લેખક – જોરાવરસિંહ જાદવ

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *