23319474_10210368098982753_7836469371853229753_n

ગુજરાતની ધરતીને કુદરતે છૂટે હાથે સૌંદર્ય બક્ષ્યું છે. પૂર્વમાં સહ્યાદ્રિ અને સાતપુડાના પર્વતોની હારમાળા, પશ્ચિમમાં કચ્છનું રણ, ઉત્તરે ગિરિરાજ આબુની ડુંગરમાળા અને દક્ષિણે દમણગંગાનું નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા ગુજરાતના ગૌરવંવતા લોકજીવનના વિસ્તાર-પટ પર નજર કરીશું તો સમૃદ્ધ એવો કળા, સંસ્કાર અને સંસ્કૃતિનો મૂલ્યવાન વારસો ધબકતો નજરે પડે છે. અહીં મેં લોકવિધા, લોકકલા અને સંસ્કૃતિનો સંદર્ભ રાખ્યો છે.

સંસ્કૃતિનો સર્જક માનવી :
લોકસંસ્કૃતિને આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. લોકસંસ્કૃતિ એ લોકસમૂહનું સહિયારું નિજી સર્જન છે. જનજીવન પોતાની રસ, રુચિ, સવલતો, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે,

જે આગળ જતાં રીતરિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત, કળા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર-ખોરડાં, રાચરચીલું, દેવમંડળ, આચાર-વિચાર, સંસ્કાર અને સંસ્કૃતિ, વિકાસના કેડે ચડેલા માનવીના હાથે થયેલું સર્જન છે. માનવજાત જેટલાં વર્ષો જૂની છે એટલાં વર્ષો જૂની એની લોકસંસ્કૃતિ પણ છે.

ગુજરાતની સંસ્કૃતિનું ઉગમ સ્થળ :
ગુજરાતની લોકસંસ્કૃતિના ઉગમ વિશે કહેવું હોય તો એમ કહી શકાય કે, સાબરમતીના તીરે કૂબા બાંધીને રહેતા આદિમાનવના હાથે સૌ પ્રથમ વાર એનું પારણું બંધાયું હશે. જ્યારે સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનું પારણું નેસડાઓમાં રહીને પશુપાલન કરતી અરણ્યવાસી જાતિઓના હાથે બંધાયું હશે. ડો. હસમુખ સાંકળિયાએ કરેલું સાબરમતી ખીણનું સંશોધન આ વાતને સમર્થન આપે છે. મોહેં-જો-દડો અને હડપ્પાની નગરસંસ્કૃતિઓ વિકાસ પામી તેના પહેલાં પણ વિચરતી જાતિઓની લોકસંસ્કૃતિ અસ્તિત્વમાં હતી જ. આ સંસ્કૃતિના સ્પષ્ટ અવશેષો આજેય ગુજરાતના આદિવાસીઓનાં ઓજારો, દેવદેવલાંઓ, ભૂવા, જંતર-મંતર અને પશુ-પ્રાણીઓ તથા વૃક્ષપૂજામાંથી પ્રાપ્ત થાય છે.

ગુજરાતની ભૂમિ પ્રાચીન સંસ્કૃતિનો વૈભવ-વારસો ધરાવતી માનવ વસવાટવાળી ધરતી છે. આ ધરતી પરથી લોકજીવનના પ્રાચીન અવશેષો પણ ભરપટ મળી આવ્યા છે. ભારતમાંથી હડપ્પા સંસ્કૃતિના સંખ્યાબંધ પુરાવાઓ પ્રાપ્ત થયા છે. ગુજરાતમાં થયેલા પુરાતત્ત્વીય ઉત્નનનો દ્વારા લોથલ અને કચ્છમાં ધોળાવીરા ખાતેથી મળી આવેલા અવશેષો સાડાચાર હજાર વર્ષ પહેલાંના ઈતિહાસ પર પ્રકાશ પાડે છે અને સૈકાઓ પહેલાં વિકાસ પામેલી માનવ સંસ્કૃતિનું સુપેરે દર્શન કરાવે છે.

પ્રકૃિતના ખોળે પાંગરેલી લોકસંસ્કૃતિ :
આદિકાળથી માનવીએ હરિયાળાં વન-ઉપવન, લહેરાતા સાગર અને ખળખળ નાદે વહેતી નદીઓના કાંઠે વસવાટ કર્યો હોવાથી ગુજરાતનાં પ્રકૃતિપરાયણ લોકજીવનમાં અને લોકસંસ્કૃતિમાં નિસર્ગનાં અનેક તત્ત્વો આવિષ્કાર પામ્યાં છે. આથી લોકજીવનમાં પ્રકૃતિ તરફ્લો પ્રેમ, નિર્દોષ આનંદપ્રિયતા, સત્યપરાયણતા, નિરાડંબરીપણું અને સરળતાના સંસ્કારો સુપેરે ખીલી ઊડ્યા છે. સૌરાષ્ટ્રના અડીખમ ડુંગરાઓની ગાળિયુંમાં જંગલ અને ઝાડિયુંમાં વહેતી નદીઓના નીરે લોકજીવનમાં વટ, વ્યવહાર, ત્યાગ, ટેક, ખુમારી, રખાવટ અને પ્રેમશૌર્યના સંસ્કારને પોષ્યા છે.

ગુજરાતમાં ગોપ સંસ્કૃતિનો ઉદય :
ગુજરાતની અફાટ ધરતીને અડીને આવેલો એનો ૧૬૦૦ કિ.મી. લાંબો સાગરકાંઠો. પ્રાચીનકાળથી માનવ વસવાટને કારણે અહીં સાગર સંસ્કૃતિનો ઉદય થયેલો જોઈ શકાય છે. નળકાંઠાના પઢારોમાં સાગર સંસ્કૃતિના અવશેષો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આજથી આઠેક હજાર વર્ષ પૂર્વે દેવ દેવીની ઉપાસના કરનાર અને માછીમાર તરીકેનું જીવન ગુજારતી નિષાદ પ્રજાએ ગુજરાતની ધરતી પર પગરણ માંડ્યા. કોળી, ખારવા, વાઘેર અને મિયાણા આ જાતિના વારસદારો ગણાય છે. ઇ.સ. પૂર્વે પાંચમા શતકમાં આયોનિયન , બેક અને યોન ગ્રીક પ્રજાઓ આપણે ત્યાં આવી અને લાકડાંનાં દેવ દેવીઓની પૂજા ગુજરાતમાં લાવી. બરડાના મેર લોકોમાં આજે પણ આ ગ્રીક પ્રજાઓના અવશેષો ઉપલબ્ધ થાય છે. આશરે ચારેક હજાર વર્ષ પૂર્વે ગુજરાતની ભૂમિ પર ભ્રમણશીલ પ્રજાઓમાંથી ગોપસંસ્કૃતિનો ઉદય થયો. મથુરા-વૃંદાવનમાંથી આવેલા યાદવો અને આહીરો પોતાની સાથે ત્યાંની રાસલીલા લાવ્યા. શોણિતપુરના રાજવી બાણાસુરની પુત્રી ઉષાનું લગ્ન શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયું. ઉષા (ઓખા)એ પાર્વતીજી પાસેથી શીખેલું લાસ્યનૃત્ય દ્વારિકાની ગોપીઓને શીખવ્યું. ત્યાંથી સૌરાષ્ટ્રમાં એ પ્રચાર પામ્યું. આજના રાસડાની, પરંપરા એ ગોપસંસ્કૃતિની દેન છે. આમ, ગોપસંસ્કૃતિએ ગુજરાતને અનેરા ઉત્સવો આપ્યા. માનવહૈયાંને હેલે ચડાવતા મેળાઓ આપ્યા. આદર, આતિથ્ય અને ઔદાર્યના ઉમદા સંસ્કારો આપ્યા. દસમી સદીમાં સૌરાષ્ટ્રમાં સિથિયન અર્થાત્ હૂણો આવ્યા. તેઓ સૂર્યપૂજાનો સંસ્કાર સાથે લાવ્યા. આ હૂણો તે આજના આપણા કાઠી દરબારો. ઘોડો, ભેસ અને હથિયારો એમની સંસ્કૃતિનાં મહત્ત્વનાં અંગો મનાયાં.

લોકજાતિઓનું સંગમતીર્થ બનતું ગુજરાત :
સૌરાષ્ટ્રની ભૂમિ જૂના કાળથી ફળદ્રુપ હોવાથી જળ અને સ્થળ માર્ગેથી અસંખ્ય જાતિઓ બહારથી આવીને અહીં સ્થિર થઈ છે, એમ નૃવંશશાસ્ત્રીઓ માને છે. ઉત્તરમાંથી આર્યો, રાજપૂતો અને ગુર્જરો આવ્યા. દક્ષિણમાંથી કણબી આવ્યા. દરિયાઈ માર્ગેથી સીદી અને આરબો આવ્યા. કરછનું રણ વીંધીને બલુચો ને લોહાણા આવ્યા. આ ઉપરાંત કાળાંતરે કાઠિયાવાડની રઢિયાળી ભૂમિ પર ઓડ, અતીત, સથવારા, સરાણિયા, સલાટ, સીદી, જત, મહિચા, ઢાઢી, ચામઠા, બલોચ, બાબર, લંઘા, ખરક, વણઝારા, રાવળ, પુરબિયા, તરગાળા, થોરી, ખોજા, કુંભાર, સંઘાર, સુમરા, સરવણ, વાલ્મીકી, ભોપા, ભોઈ, લુહારિયા, લીંબડિયા, મુમના, મોચી વગેરે લગભગ એકસો ને સિત્તેર કરતાં યે વધુ જાતિઓએ આવીને વસવાટ કર્યો છે.

મધ્યયુગમાં ઈસ્લામની અસરે ક્ષત્રિય જાતિઓ અને પોતાની જાતને કાંટિયાવરણ તરીકે ઓળખાવતી જાતિઓનું લડાયક ખમીર ખીલી ઊઠ્યું. આ લડાયક ખમીરની અસર સૌરાષ્ટ્રની અન્ય જાતિઓના ઘડતર પર પણ પડી. એને પરિણામે લોકજીવનમાં ઘોડેસવારી, તલવારનૃત્ય અને શસ્ત્રો વાપરવાની વિદ્યાનો વિકાસ થયો. રખાવટ અને શૌર્યભાવનાનો સંસ્કાર સમાજમાં મહેંકતો બન્યો.

 

આભાર – ગુજરાત ઇન્ફર્મેશન કમિશન, ગાંધીનગર

પુસ્તક – ગુજરાતની લોકસંસ્કૃતિ વિરાસત  

લેખક – જોરાવરસિંહ જાદવ

ચિત્ર – અશોક ખાંટ

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *