meghfood7

આવ્યો શિયાળો ઠંડી લઇને

ગોદડીયાળી બંડી લઇનેઆવ્યો શિયાળો

સુરેશભાઈએ પહેર્યુ સ્વેટર

મયુરભાઈએ બાંધ્યું મફલર

શીલા આવી શાલ ઓઢીનેઆવ્યો શિયાળો

ઢંડો વાયુ વાયો સઘળે

ડોશી માની દાઢી ખખડે

તાપે સૌએ સગડી લઇનેઆવ્યો શિયાળો

ખજૂર ચીકી બોર લાવ્યો

પતંગ માંજો દોર લાવ્યો

શેરડીની ગંડેરી લઇનેઆવ્યો શિયાળો

 

શિયાળામાં જ્યારે જ્યારે આ બાળગીત યાદ આવે ત્યારે પ્રાથમિક સ્કૂલની ઠંડીદાર સવાર યાદ આવી જાય. સ્કૂલમાં દર બુધવારે સંમેલન ભરાતું, નાટક ભજવાય, ગીતો ગવાય, મિમિક્રિ થાય… ટૂંકમાં કહીએ તો મજા પડી જાય. સ્ટેજ ઉપરથી જોઇએ તો ટોપીને મફલર બાંધેલા શિક્ષકો દેખાય અને રંગબેરંગી સ્વેટર દેખાય જાણે રંગબેરંગી માહોલ જામ્યો હોય પણ ખુલ્લા મેદાનમાં ઠંડી ય જોરદાર લાગે… પણ આવા ઠંડા માહોલમાં માધાસાહેબ જેવા અનુભવી શિક્ષક મેદાનમાં આવે આ ગીત એવી રીતે ગવરાવે કે ગીત પૂરું થતા તો અડધા સ્વેટર ખૂલી ગયા હોય અને હાથ લાલ ટમેટાં જેવા થઇ ગ્યા હોય…

***

શિયાળાનું છાણું,
જુવાનીનું નાણું
એ જિંદગીનું ખાણું

આ મૂળ કહેવતને થોડી બદલી છે…

શિયાળાનું ખાણું ને જુવાનીનું નાણું આખી જિંદગી કામ લાગે એવું આપણા બાપ-દાદા કહી ગ્યા છે. શિયાળો એટલે એક એવી ઋતુ જેમાં બારે મહિનાનું પેટ્રોલ ભરી લેવાનું પછી ગાડી ફૂલ સ્પીડમાં દોડ્યા જ કરે પણ સામે શરત એટલી જ પેટ્રોલ એટલું કવૉલિટીવાળું અને સામે એન્જિન ખમી શકે એટલું મજબૂત હોવું જોઇએ.

એટલે જ શિયાળો એટલે પેટ અને મન ભરીને ખાવાની મૌસમ, આ ઋતુમાં એટલા ઓપ્શન મળે કે મગજ ચકરાવે ચડી જાય કે શું ખાવું ને શું ન ખાવું…

બહાર ઠંડી અને અંદર ગરમીનો અહેસાસ…

શરૂઆત થાય વિવિધ પ્રકારના ‘પાક’થી… ગુંદરપાક, સૌથી પ્રખ્યાત અડદિયાપાક (અડદિયાપાક દરેક જિલ્લાઓમાં અલગઅલગ પ્રકારના બને, ક્યાંય એકદમ કાળો બને, ક્યાંય ધીથી લથબથ બને તો ક્યાંક સ્હેજ બ્રાઉન કલરનો બને તો વળી ક્યાંક એકદમ તીખ્ખો બને તો ક્યાંક ગળ્યો બનેએક વાનગીમાં આટલી વિવિધતા બોલો…) તમારી સવારનો સ્વાદ કડવો કરીનાખે એવો મજબૂત મેથીપાક, ખૂજરપાક, બદામપાક અને સાલમપાક બને જેમાં સૂંઠ, ગંઠોડા, પીપરીમૂળ, ગુંદર (જેમાં મહિલાઓ માટે બાવળીયો અને પુરૂષો માટે ખેંટનો ગુંદર ઉપયોગમાં લેવાય), જેવી દેશી વસ્તુઓથી બને છે ખાસ ‘વસાણા’, જે આપણા દેશી પાકને અંદરથી એવા ગરમ બનાવી દે કે તમારે બીજી કોઇ વસ્તુની જરૂર જ ન પડે… ગરમી માટે ગોળના પાણીમાં સૂંઠ અને ગંઠોડા નાખીને પીવો એટલે જૂઓ પરસેવો કેવો છૂટે છે… એટલું જ નહીં નેચરલ ઓઇલિંગ માટે કચ્ચરીયું તો અડધીરાતનો હોંકારો… (જેને સૌરાષ્ટ્ર તરફ ‘સાની’ પણ કહે છે) તલનું તેલ તમારા અંદરના એન્જિનનું એવું ઓઇલિંગ કરે કે તમારું શરીર આખું વર્ષ એવું ને એવું ટોપ ગિયરમાં દોડ્યા જ કરે પછી કોઇ દવાની જરૂર ન પડે બોસ… પછી તો તાવ નેય તાવ આવે…

પણ એવું કરે કોણ… બજારની વસ્તુઓના ભરપૂર ઉપયોગ અને જંકફૂડ સાથેનો જંગ ખબર નહીં આપણે ક્યારે જીતી જશું, હવે આવી હારેલી, ઈજાગ્રસ્ત સ્થિતિમાં શિયાળો એક જ આપણી મદદ કરે એવો છે.

જાણકારો કહે છે કે શિયાળામાં ભેગી કરેલી ચરબીનો શરીર જરુર પ્રમાણે તેનો ઉપયોગ પોતાની રીતે કરે છે (ઊંટ પણ એક સાથે ભોજન લઇ જરુર પડ્યે તેનો ઉપયોગ કરે છે) વિચારો કેવું અદભૂત બનાવ્યું છે આપણા શરીરનું મિકેનિઝમ!

પણ આજે કેટલાક હેલ્થ કોન્સિયસ લોકો આ ચોખ્ખા ધીની વાનગીઓ જોઇને નાક ચડાવે, ‘કેટલી ફેટ આવે’, ‘વજન વધી જાય’ પણ આ ફેટ નહીં પણ નેચરલ ઓઇલિંગ સિસ્ટમ છે, નેચરલ હિટીંગ સિસ્ટમ છે. પહેલા લોકો એટલું કામ કરીને આ વસાણાને પચાવતા હતા, ઘીનું શક્તિમાં રૂપાંતર થઇ શકતું હતું પણ અત્યારે બેઠાડું જીવનશૈલીને કારણે આ ઘીનું ચરબીમાં રૂપાંતર થાય છે એટલે જ સૂતા હોવ તો ઉભા થાવ, ઉભા હોવ તો ચાલવા લાગો, ચાલતા હોવ તો દોડવા લાગો… શિયાળો મજબૂત થવાની ઋતુ છે, ખાધેલું પચાવવાની ઋતુ છે.

શિયાળામાં ક્યારેક સવારે વહેલા ઊઠી ગયા હોવ અને સૂર્યોદય જોવોનો મોકો મળે કેટલી મજા પડી જાય, લાગે કે સવાર સુધરી ગઇ એમ જ સૂર્યોદય પછી નજીકની શાકમાર્કેટમાં પણ આંટો મારવા જેવો ખરો… ચશ્માના નંબર ચોક્કસ ઓછા થઇ જશે… (એટલે આ તો આંટો ય મરાય જાયને નીરાંના બે ધૂંટ પણ પીવાય જાય).

સવારમાં જ દર્શન થાય લીલા શાકભાજીના, વિવિધ પ્રકારની ભાજી સાથે કોથમરી અને મરચાં તો લેવાના મફતમાં જ હાં…

બજારમાં પાલખ, સૂવા, તાંજળીયો, મેથી, ચિલ અને મોગરની ભાજી મળવા માંડે સાથે જ મૂળા અને મોગરીનો ઘરમાં સ્ટોક થઇ જ ગ્યો હોય.

આવા માહોલમાં મિત્રો સાથે ખાસ પાર્ટીનું આયોજન થાય અને તાપણીમાં વાતો કરતા કરતા મોટા રિંગણા શેકવાની જે મજા છે… શબ્દો નહીં પણ અનુભવનો વિષય છે, જાણકારને જ ખબર પડે કે રિંગણ શેકાઈ ગ્યા છે એટલે આંગળીઓના ટેરવાને ફૂંક મારતા મારતા તેની કાળી કાચલી કાઢવાની, જાણે રિંગણાનો નવો જન્મ જ સમજી લ્યો ને… હાથે ટીપીને બનાવેલા તાવડી જેટલા મોટા બાજરીના રોટલા… વાટકી ભરીને ધી-ગોળ-માખણ અને લટકાની લીલી ડુંગળી… સાથે શુદ્ધ શિંગતેલનો સુગંધી વઘાર અને ઠંડીનો ચમકારો… ત્યારે લાગે કે સ્વર્ગ અને આપણે બસ હાથ વેંતનું છેટું.

બીજી તરફ ઘરમાં રાયતા મરચાંની બરણી ભરાઈ જાય, લીલી હળદર અને આંબા હળદરને લીંબુ સાથે પલાળીને તૈયાર થઇ ગઇ હોય સાથે જ ‘વિટામિન સી’ના ફૂલ ટેન્કર આમળાનું સ્વાદિષ્ટ જીવન કે પછી ચ્યવનપ્રાશ બનીને તૈયાર થઇ ગ્યા હોય અને હાં, માડી ખાટા આમળા હાથમાં પકડાવી દે એટલે ખબર પડે કે શિયા‌ળો શરૂ થઇ ગ્યો…

ડિસેમ્બર પૂરો થવા આવે ત્યારથી જાન્યુઆરીના પડઘમ વાગવાના શરૂ થાય, એટલે પતંગ રસિયાઓની સાથે સાથે ઘરમાં ઊંધિયાની તડામાર તૈયારીઓ શરૂ થઈ જાય. આખું ઘર જાત-જાતના દાણાથી લઇને વાલોળ, પાપડી, લીલા ચણા (જિંજવા), દાણીયા, સુરણ, કાચા કેળાથી લઇને વિવિધ વસ્તુઓથી ભરાય જાય. (ખાવામાં જેટલી મજા આવે ફોલવામાં એટલી જ તકલીફ પડે, એટલે ખાવાની મજા પહેલા ફેલવાની મજા લેવીએ જરૂરી છે) અને હાં, મીઠાઈમાં વહેલી પરોઢના સૂરજની જેમ ચમકતા લાલ રંગનો ઘીમાં તરબોળ ગાજરનો હલવો તો કેમ ભૂલાય… ગુજરાતમાં માટલા ઊંધિયું (માટલામાં બધુ શાકભાજી ભરીને નીચેથી તાપણું કરી શેકવામાં આવે), લીલું ઊંધિયું (માત્ર લીલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે), સુરતનું પાપડી ઊંધિયું, દાણા ઊંધિયું (માત્ર લીલા દાણાનો ઉપયોગ થાય) અને એક ખાસ પ્રકારના વિશિષ્ટ સ્વાદ સાથે બનતું રાજકોટમાં બનતું ચાપડી ઊંધિયું (જેમાં ઘઊંના જાડાલોટની ચાપડી સાથે રસદાર ઊંધિયું પીરસવામાં આવે છે) અને હાં, વલસાડથી શરૂ કરીને છેક ગુજરાતના છેડા સુધી મળતું ખાસ ઉંબાડિયું શિયાળાને વધુ સ્વાદિષ્ટ અને યાદગાર બનાવે છે.

અગાસી પર પતંગ ચગાવતા-ચગાવતા ફાલસા, સેતૂર, જમરૂખ, ચણીબોર, બોર, રાયણા જેવા ફ્રૂટની મજાની સાથે સાથે શેરડીના મોટા સાંઠા દાંતથી છોલવાની શરત પણ લાગે.

શિંગ, દાળીયા, તલ, ટોપરું, ડ્રાયફ્રૂટની ચિકી અને લાડુની ડિમાન્ડ તો આખી સિઝન ઓલટાઈમ ફેવરીટ હોય જ અને હાં, લાડુમાં સંતાડેલા રૂપિયો-બે રૂપિયો મળે એ અલગ.

સ્વાદરસીયાઓના સ્વર્ગ સુરતની વાત નીકળી જ છે ત્યારે આ સિઝનમાં ત્યાં પોંક ખાવાનો મજાનો રિવાજ છે અને હવે તો પોંકની વિવિધ વાનગીઓ પણ બનવા લાગી છે. ખાસ કરીને બાજરો, જાર (થેગ) અને ઘઉં (પોંક)નું ચલણ વધુ જોવા મળે. એટલા શોખીન કે જ્યાં જગ્યા મળે ત્યાં ચટ્ટાઈ પાથરીને બેસી જાય…

કેટલાક ભાગમાં તો છડેલા ઘઊં, લીલી જૂવાર અને બાજરીનો ખીચડો (ટેઠવા) ખાવાનો પણ રિવાજ છે હવે તો મોટા શહેરોમાં ઠંડી ઉડાડવા સૂસવાટા બોલાવે એટલા તીખા તમતમતા તૂવેરના ટોઠાનો નવો ટ્રેન્ડ જામ્યો છે

ગુજરાતના ખૂણે-ખૂણે બનતી વિવિધ પ્રકારની વાનગીઓ તો અલગ જ, આ તો માત્ર શરૂઆત છે હજુ તો બીજા કેટલાય એવા વ્યંજનો હશે જે મારા અને તમારા સુધી પહોંચ્યા પણ નહીં હોય.

પણ એ વાત ચોક્કસ છે કે આટલું વાંચ્યા પછી ય જો તમારા પેટમાં કબ્બડી, મગજમાં ફૂટબોલ અને જીભ પર સ્વાદનો ધોધ પડવાનું શરૂ ન થયો હોય તો કાલે નહીં અત્યારે જ કોઈ સારા ડોક્ટરને બતાવતા આવો…

ક્યા પતા કલ હો ના હો

આલેખન – ધ્રુવ શાસ્ત્રી (9-Jan-2019)

(આ આર્ટિકલમાં ખાસ માહિતી આપવા બદલ મારા મમ્મી નયનાબેન શાસ્ત્રી, પ્રો. ગીતાબેન મહેતા અને જી.એલ.એસ. હોમ સાયન્સ વિભાગના નિષ્ણાંત પ્રોફેસર્સ સહિત મારા દૂર-દૂરના મિત્રો જેમણે આપેલી નાની-નાની માહિતી માટે હું ખાસ આભારી છું)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *