index1

વડોદરા જિલ્લાના વિભાજનથી છોટાઉદેપુરના હિસ્સે આવેલી આદિજાતિ સંસ્કૃતિ અનેકવિધ વૈવિધ્યથી સમૃધ્ધ છે. આદિજાતિ સંસ્કૃતિમાં જન્મ, મરણ, વિવાહ, લગ્ન, હોળી, દિવાળી, દિવાસો જેવા પર્વો, ઉત્સવો સાથે સંકળાયેલા વિવિધતાભર્યા રીતરીવાજો, સંગીત, નૃત્ય, ગીતોનો અખૂટ અને અવનવો વારસો અનાદિકાળથી ચાલ્યો આવે છે અને આજે પણ સચવાયો છે.
આવો જ એક ઉત્સવ છે ગામદેવતાની પેઢી બદલવાનો જે હાલમાં છોટાઉદેપુર જિલ્લાના છેવાડે, છેક મધ્યપ્રદેશની સરહદે આવેલા ભોરદા ગામમાં ખૂબજ ઉમંગ અને ઉત્સવના વાતાવરણમાં શરૂ થયો છે અને આખું ભોરદા ગામ હરખની હેલીમાં ઘેલુ થયું છે. ભોરદાના ગામ વડીલ કૈલાશભાઇ રાઠવાએ જણાવ્યું કે અમે સાવ નાના હતા ત્યારે ગામના દેવતા(બાબાદેવ) બદલવામાં આવ્યા હતા. તે પછી અંદાજે ૫૦ થી ૬૦ વર્ષ પછી ગામને આંગણે આ અવસર આવ્યો છે. રવિવારે (તા.06/1/2018)ના રોજ ગામ સમસ્તની બેઠકમાં કાર્યક્રમ ઘડી કાઢવાની સાથે આ ગ્રામ ઉત્સવની શરૂઆત થઇ હતી.

 

index1 index2 index
ગામની નવી પેઢી જીવનમાં પહેલીવાર ગામદેવતાનો ઉત્સવ માણવાનો રોમાંચ અનુભવી રર્હ્યા છે. તેમણે જણાવ્યું કે ભોરદા ગામમાં ચાર મુખ્ય અને નવ પેટા દેવસ્થાનો છે અને આ ઉત્સવમાં તમામ દેવના ખૂંટા અને તેમનુ રાચરચીલું, સાધન સરંજામ બદલવાનુ આયોજન ગામ સમસ્તે ભેગા થઇને કર્યું છે. ગામલોકોના ફાળાથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યુ છે.
આદિજાતિ વિસ્તારમાં મુખ્યત્વે સાગના લાકડામાંથી દેવોના ખૂંટા ઘડવામાં આવે છે. દાયકાઓનો સમય પસાર થવાને લીધે આ પૈકી ઘણા ખૂંટા ખંડિત થાય છે. જર્જર બને છે. એમના ઘોડાની ભાંગતૂટ થઇ હોય છે. એટલે પેઢી બદલવાના ઉત્સવ હેઠળ આ દેવો અને તેમનો સાજ સરંજામ સંપૂર્ણ શ્રધ્ધા અને ભક્તિની વાતાવરણમાં, આદિવાસી સંસ્કૃતિની નિર્ધારીત પરંપરાઓ અનુસરીને બળવા, પૂજારા અને પટેલોના માર્ગદર્શન હેઠળ બદલવામાં આવે છે.

આ ઉત્સવના ભાગરૂપે નજીકના ચાંદપુર ગામના કુંભારને લગભગ એક મહિના પહેલા આઠ નાના અને એકસો ત્યાસી જેટલા મોટા ઘોડા, ધાબુ(દેવોનું વાસણ) અને ગણપતિ, મરઘો, મરઘી, વાઘ, દેડકા, સાપોલીયા, ઉંદર સહિતનો માટીનો સંપૂર્ણ સરંજામ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતાં. આજે ગામ લોકો વાજતે ગાજતે ઘોડા અને સાધન સામગ્રી ભોરદામાં લઇ આવ્યા હતા. જ્યારે દેવોના ખૂંટા ગામના આદિવાસી મિસ્ત્રી-સુથારે સાગના લાકડામાંથી ઘડીને તૈયાર કર્યા છે. હવે ગામના જુદાં જુદાં દેવસ્થાનોને આ ઘોડા અને સરંજામની વહેંચણી કરવામાં આવશે. અશોકભાઇના જણાવ્યા પ્રમાણે મુખ્ય ઉત્સવ બુધવાર તા. 13-Feb-2019 ના રોજ રાખવામાં આવ્યો છે જે બીજા દિવસની સાંજ સુધી ચાલશે.
ભોરદાની વસતિ ૧૫૦૦ થી ૧૬૦૦ જેટલી છે, ગામના તમામ રહેવાસીઓએ તેમના સગાવ્હાલાઓને ગામદેવતાઓના નવીનીકરણના આ ઉત્સવમાં જોડાવા અને નવા દેવોને વધાવવાનું નોંતરૂં(આમંત્રણ) પાઠવ્યુ છે. એટલે આ બંને દિવસે ગામમાં મેળા જેવુ વાતાવરણ સર્જાશે અને આસપાસના રાઠ વિસ્તારના ૫૦ થી ૬૦ ગામો(જેમાં ગુજરાતના અને મધ્યપ્રદેશના ગામોનો સમાવેશ થાય છે)ના લોકો ભોરદાના મહેમાન બનશે. સહુને માટે સામુહિક ભોજન સમારંભ યોજાશે, નાચગાન થશે અને આ બધાની વચ્ચે બળવા, પૂજારા અને પટેલ આદિવાસી સંસ્કૃતિની પરંપરા અને વિધિવિધાન પ્રમાણે દેવોની પેઢી બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.
ગામને નવા દેવતા અને દેવતાઓને નવી સજાવાટ અને સાધન સરંજામ ઉપલભ્ધ કરાવવા માટે આ સામુહિક ઉત્સવનો પ્રસંગ છે. તેની સાથે ભણેલી-ગણેલી નવી પેઢીને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રશિક્ષણ મળશે એટલે આ વારસો પેઢી દર પેઢી આગળ વધતો રહેશે. ગામદેવતા રીઝે અને સહુને સાજામાજા રાખે, ખેતરોમાં સારો પાક થાય તેવી કૃપા કરે એ પ્રકારની ભાવના પણ આ પરંપરા પાછળ રહેલી છે.

આલેખન  – સુરેશ મિશ્રા (09-01-2019)

Please follow and like us:

One thought on “આદિજાતિ સંસ્કૃતિની સુવાસ

  1. hailporn

    Hello There! Have A Good Day!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *