foreign-diwali-destinations-featured

ઓફિસથી ઘરે આવતા સાંજે રસ્તા પરથી પસાર થતા મારી નજર ફટાકડાની દુકાન પર પડી. મારી નાની ભત્રીજી માટે ફટાકડા જોયા. એક જૂઓ ને એક ભૂલો એવા.. જોરદાર.. પણ સવારે જ છાપાના સમાચાર યાદ આવ્યા કે કોર્ટે ફટાકડા ફોડવા તો બે જ કલાક આપ્યા છે… હવે ફટાકડાય ગ્રીન ફોડવાના બોલો… એટલે ‘ભીંતભડાકા’ લઇને ત્યાંથી ઘરે આવ્યો. આખાય રસ્તે વિચાર કરતો હતો કે આવનારા સમયમાં દિલ્લી અને મુંબઇની જેમ અમદાવાદ અને બીજા ‘મોટા’ શહેરોમાં પણ ફટાકડા પર પ્રતિબંધ લાગશે? હોળીમાં કલરથી નહીં રમવાનું, ઉત્તરાયણમાં પતંગ નહીં ઉડાડવાના, દિવાળી ફટાકડા નહીં ફોડવાના, નવરાત્રીમાં લાઉડ સ્પિકર કે રાત્રે ૧૨ વાગ્યા પછી ગરબા નહીં રમવાના… એટલે આમ દરેક તહેવારો ધીરે- ધીરે વોટ્‌સ એપ અને ફેસબુક પર ફોટા અપલોડ કરવા માટે જ રહી જશે.. આમેય અત્યારે લાઇક અને હેશટેગ(#) પર તો જીવીએ છીએ…

ઘરે ભત્રીજી મારી રાહ જાઇને જ બેઠી હતી… કાકા ચાલો ફટાકડા ફોડવા અને અમે બંને નીચે ફટાકડા ફોડવા ગયા. છેલ્લો ફટાકડો ફોડતા એ બોલી, ‘‘કાકા કાલે બીજા ફોડવાના?’’ મેં કહ્યું કાલે બહુ બધા ફોડવાના છે, આજે અટલા જ… અમે ઉપર આવી તેની આંખ ઘેરાઇ અને તે સૂઇ ગઇ.. હું અંદરના રૂમમાં વાંચવા બેઠો પણ મારી આંખ સામે મારી દિવાળી આવી ગઇ.. કહું તો ૧૯૯૦-૯૨ આસપાસની દિવાળી.. અને એ પણ સૌરાષ્ટ્ર, ભાવનગરની દિવાળી..

દિવાળી પહેલાનો આજે ચોથો દિવસ છે… સૌરાષ્ટ્રની ભાષામાં કહું તો દિવાળી ઝાંપે આવી ગઇ. અગીયારસથી ઓફિશીયલી દિવા‌ળી શરુ થઇ જાય. દિવાળી એ માત્ર પાંચ દિવસનો તહેવાર જ નહીં એક પરંપરા અને વારસો છે. નવરાત્રી જાય એટલે ઘરોમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઇ જાય. છેલ્લા કેટલાક સમયથી કંઇક કહેવાનો અંદર વલવલાટ થતો હતો પણ અંદર જ રહી જતો હતો…

મને યાદ છે… ત્યારે અમે સંયુક્ત કુટુંબમાં રહેતા.. દાદા-બા, પપ્પા-મમ્મી, કાકા-કાકી સાથે ૧૦ લોકો અમે રહેતા સાથે ફઇઓ અને બીજા મહેમાનો આવે એ તો ખરાં જ. દિવાળીનું વેકેશન પડે એટલે પપ્પા સમજી ગયા હોય કે હવે છોકરાઓ જીદે ચડવાના એટલે અમે કહીએ એ પહેલા જ તેઓ કહી દે કે, ‘ફટાકડાનું લીસ્ટ બનાવવા માંડજો, બે ત્રણ દિવસમાં ફટાકડા લેવા જવાનું છે’ પછી શરૂ થાય અમારું લિસ્ટીંગ… ફૂલ સ્કેપ ચોપડાના વચ્ચેના પીન પેજ ફાડી કાર્યવાહી શરૂ થાય. એકપણ લીટી છોડ્યા વગર અમારું લિસ્ટ પુરું થાય. પપ્પા કહે બસ આટલું જ.. આજે મારી ભત્રીજી જ્યારે મને આવું કહે ત્યારે જે આનંદ આવે છે… ત્યારે પપ્પાનો આનંદ અમને આજે અનુભવ થાય છે. મારા, મોટાભાઇના અને કાકાના એમ ત્રણ થેલીઓ ભરી ફટાકડા આવે. બધા તગારામાં ભરી અગાશીમાં ગરમ થવા મુકવાના (ત્યારે એવું હતું કે ગરમ કરીએ તો અવાજ મોટો આવે, અત્યારની જેમ છેલ્લા દિવસે ફટાકડા લેવા ન જવાય. પ્લાનીંગની સાથે ફટાકડા ફોડવામાં પણ એક શિસ્ત હતી)

પણ.. પણ.. અમારી સામે શરત મુકવામાં આવે કે, જો દિવાળીની સફાઇમાં મદદ કરશો તો જ ફાટાકડા મળશે અને નવા જેવા જોઇએ એવા કપડા અને બુટ લાવી આપીશું.. એટલે.. એન્જિન શરૂ.. બોલો ક્યારથી શરૂ કરવાનું છે.. અને એ ઉત્સાહમાં અને ઉત્સાહમાં ઘરના દરેક સભ્યો સાથે અમે પણ ઉત્સાહભેર કામ કરવામાં જોડાઇ જઇએ, પણ દર વર્ષે એક વખત ખબર પડે કે ઘરના મેડા કેટલા ઊંડા છે.. (મેડા-અભેરાઇ) નવરાત્રી જાય એટલે ગાદલા-ગોદડા તપાવવાથી શરુ થયેલું કામ અંતે ટાઇલ્સ અને બારી-બારણા ઘોવા સાથે સફાઈ અભિયાન પૂર્ણ થાય… (આ સફાઈ અભિયાનના પરાણે થતા કામ કરતા એ વખતના લક્ષ્મીજીને આવકારનો ભાવ વધુ ઉત્તમ લાગે છે)

મને યાદ છે ક્યાંને ક્યાંયથી બધાના જૂના કપડાં ભેગા થાય, ફેંકવાના નહીં પેલા પાલા બરણીવાળ‌ાને આપવાના… જે કંઇ નાનું મોટું આવ્યું એ… મમ્મી અને કાકીઓ જૂના વાસણો ચમકાવવા બેસે… કેટલાય એવા વાસણો કે જે આજે માત્ર મ્યુઝિયમમાં રહી ગયા છે તેવા તાંબા, કાંસાના વાસણો  ઘસી ઘસીને ચમકાવે અને ફરી તેને મેડામાં મૂકી દેવાના પણ દર વર્ષે ઉતારવાના અને ધરીને મૂકી દેવાના… બસ… (પરંપરા ચમકાવવનો કેવો અદ્ભૂત પ્રયોગ)

એક તરફ અમે નાની મોટી સફાઈ કરતા હોઈએ ત્યાં બીજી તરફ, ઘરનો મહિલા વર્ગ અગિયારસથી નાસ્તો બનાવવાનું શરૂ કરી દે, એટલે માનો કે રસોડાની ચહલપહલ વધી જાય. મોહનથાળથી માંડી ઘુઘરા, સેવ, ગાંઠીયા, મઠીયા, ફાફડાથી શરૂ કરી એક થાળી ભરાઇ જાય એટલી વાનગીઓ જાતે બનાવવાની અને પાછી હોલસેલમાં બનાવવાની એટલે કે લાભપાંચમ સુધી ચાલે એટલી બનાવવાની. (દિવાળી જાય પછી દરેકના ઘરમાં ભેળ ચોક્કસ બને જ) કદાચ ત્યારે લોકો એટલું ખાઇ શકતા હતા કે એ વખતના લોકોમાં રોગનું પ્રમાણ ઓછું હશે પણ ખાય એટલે.. પુછવાનું નહીં..આજના મારી ઉંમરના જુવાનીયાઓ કરતા તો ત્યારના ઉંમરલાયક વધારે હેલ્ધી હશે તેવું મારું અંગત માનવું છે.

આ તમામ તડામાર તૈયારીઓ વચ્ચે એક દ્રશ્ય મને યાદ છે કે દિવાળી પહેલા દાદાજી પાછલા વર્ષે છપાવેલા કાગળની ડિઝાઈન કાઢે, તેના આધારે આ વર્ષની નવી ડિઝાઈન નક્કી થાય, તેનું ડ્રાફ્ટિંગ થાય, છપાઈને આવે એટલે દાદાજી થપ્પો લઇને લખવા બેસે. એ એવું પ્લાનિંગ હોય કે દિવાળીએ તેમના ઘરે કાગળ પહુંચે, સાથે હોય એક મોટું લિસ્ટ. ત્યારે અમારા અક્ષર પણ સારા એટલે ઘરના બધા છોકરાઓને બેસાડે સરનામા લખવા. હવે તો વોટ્સએપમાં કહી દીધું એટલે સમજી લેવાનું… હેંને…

પપ્પાની ઓફિસમાં છેલ્લી ઘડી સુધી કામ-કાજ ચાલે. રોજ રાત્રે આવે એટલે અમારું શરૂ, કપડા લેવા ક્યારે જવાનું છે, બુટ લેવા ક્યારે જવાનું છે કેમ કે દિવાળી એક જ એવો સમય હતો જ્યારે અમને ગમે એવા કપડા અને વસ્તુઓ આવતી. આખું વર્ષ જરૂરિયાત હોય એટલું આવે-દિવાળીમાં માંગો એટલું આવે આટલો ફરક હતો.. દુકાનો ફરવાની અને ફેરવવાની પછી તો એક સમય પછી તૈયારને બદલે કાપડ આવતા એટલે તો વધારે મજા આવતી કેમ કે, કોઇ વ્યક્તિ માત્ર તમારા માટે કપડા સીવે… તમારું માપ લેવાય, તમને તારીખ અપાય, તમે બે-ચાર ધક્કા ખાવ પછી કપડા લઇને આવવાનો આનંદ આજે એક કલાકમાં લાવેલા તૈયાર કપડામાં ક્યારેય નથી આવતો. આટલી મજા કદાચ એટલે જ હતી કે ત્યારે ફ્લીપ કાર્ટ કે એમેઝોનની માંડી અનેક વેબસાઇટ પર ઓનલાઇન શોપીંગની વ્યવસ્થા ન હતી એટલે ખરીદીમાં પણ એક પોતાપણાનો ભાવ હતો.. પહેર્યાનો આનંદ હતો. મને યાદ છે કે દિવાળીની રાત્રે અમે ‘રોશની’ જોવા જતાં. રોશની એટલે ભાવનગરની મુખ્ય બજારની દુકાનોને ખુબ સરસ શણગારેલી હોય.. ત્યારે ડિસ્કાઉન્ટ અને સેલની વ્યાખ્યા ત્યાંથી ખબર પડતી.

કદાચ ત્યારે મજા તૈયારીઓની જ હતી. ઘનતેરસના આગલા દિવસથી જ ઘરના આંગણે નવા તોરણ લાગી જાય, નવા નવા ઓછાડ પથરાઈ જાય, મેડામાં પડેલી મુખવાસદાની નીકળે સાફ થાય, જેમાં નવા નવા મુખવાસ ભરાય, મીઠાઈઓ આવે, નાસ્તાઓ નીકળે, નજીકમાંથી આસોપાલવના પાન તોડી લાવવાના અને તેનું તોરણ બનાવવાનું જાતે… (કેટલાને આવડે છે??) એવું લાગે કે તમારી આજુબાજું બધું ય ફરી રહ્યું છે… એક જુદા જ પ્રકારનો ધમધમાટ… તમે રોડ પર નીકળો તો એવું લાગે કે બધું જ સજાવેલું છે નવા નવા કપડાં, ઘર પર સીરીઝ લગાવી હોય, ઘરના આંગણે દિવડા પ્રગટાવ્યા હોય એટલે બધું જ શણગારેલું… અને આપણે પોતે પણ…

દિવાળી શરુ થતા જ દિવસો ફટાફટ પસાર થવા લાગે. ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી ફટાકડા ફોડવાના, મીઠાઇ ખાવાની જસલા કરવાના મજાની લાઇફ.. પપ્પા વ્યાપાર સાથે જોડાયેલા હતા એટલે દર વર્ષે નવા રોજમેળના ચોપડા આવે.. નવી ટેક્નોલોજી આવી ગઇ હોવા છતાં પૂજાની સામગ્રી સાથે રોજમેળના લાલ ચોપડા તો આવે જ… ધરે જ પરિવાર સાથે ચોપડા પૂજન થાય.. આખુંય ઘર જાણે કે મહાલક્ષ્મી માતાને આવકારવા તત્પર હોય તેવો માહોલ આજે પણ દર દિવાળીએ મારી નજર સામે ફરી વળે..  અમારું મોટી ઓસરીવાળું ઘર હતું એટલે રંગોળી કરવાનો પણ એક અનેરો આનંદ હતો. આમ તો રંગોળી પાંચેય દિવસ થાય પણ દિવાળી અને બેસતાવર્ષ માટે ખાસ મોટી રંગોળી બનાવવાની. અમારી સોસાયટી સહિત બધે જ મોટી રંગોળીઓ થાય એટલે ફટાકડા ફોડી મમ્મી અને પપ્પાની સાથે હું, કાકા રંગોળી કરવા બેસીએ મોડી રાત સુધી ચાલે અને બીજાઓએ બનાવી હોય તે જોવા પણ જવાનું.. રંગ પુરવા અમને બોલાવી પણ જાય, ‘‘આવજા ને જરા મદદ કરવા..’’

.. અને આવી ગયું છે બેસતું વર્ષ.. દિવસની શરુઆત થાય ‘સબરસ’ની બૂમથી. ‘માતાજીનું કંકુને શુકનનું મીઠું’ માતાજીના આશિર્વાદ સાથે કંકુ અને દરેક વાનગીને સ્વાદિષ્ટ બનાવે એમ જીવનને પણ મધુર બનાવે તેવું મીઠું આપી જાય… અને પછી શરુ થાય વર્ષનો સૌથી પૈસાદાર દિવસ. આ દિવસની રાહ એટલે જ રહેતી કે ઘરમાં (ત્યારે) સૌથી નાનો હોવાના નાતે મને સૌથી વધુ પૈસા મળતા. પૈસાની સાથે જ નવી નોટ ભેગી કરવાનો જે આનંદ હતો.. મજા જ કંઇક અલગ હતી સાચ્ચે. બે રૂપિયાથી શરૂ થયેલો ભાવ પચાસ રૂપિયાની સપાટીએ ક્યારેય પહોંચી જાય ત્યારે ખીસ્સુ સેન્સસેક્સની જેમ ટોચ પર પહોંચી જાય. સવારથી નવા કપડા પહેરી ભગવાનથી શરૂ કરી ઘરમાં બધાને પગે લાગવાનું. (વર્ષમાં પરીક્ષા, પરિણામ, જન્મદિવસ અને બેસતું વર્ષ આ ચાર પ્રસંગે જ ઘરમાં બધાને પગે લાગવાનો મોકો આવતો) જેટલા લોકો એટલા આશિર્વાદ અને આશિર્વાદ પણ તમારા લેટેલ્ટ સ્થિતિ પર નિર્ભર કરે.. એટલે કે બોર્ડમાં હોવ તો પાસ થઇ જાય તેવા આશિર્વાદ, નોકરીમાં નવા લાગ્યા હોય તો એવા.. રંગબેરંગી આશિર્વાદ પણ મળતા. આ તો ઘરની વાત થઇ પણ પડોશમાં અને સોસાયટીના બધા ઘરોમાં જવાનું અને આ સિલસીલો લગભગ ચાર-પાંચ દિવસ ચાલે. એટલે કે ચાર દિવસ ઘરે જમવાનું નહીં.. બહાર જ એટલું ખવાઇ જાય કે પૂછો નહીં. પપ્પા ઘરેથી કહીને નીકળે કે બહાર મીઠાઇ ખાવાની નહીં પણ કોઇના ઘરે પહેલી મીઠાઇ ઉપાડીને મોં માં મૂકી દેવાની અને આપનાર પણ કહે કે ‘‘ભલેને ખાતો..’’

ભાઈબીજ, બહેનના ઘરે ખીચડી ખાવાની અને યમુનાજીના પાણીનું આચમન થાય, બહેન ખોબો ભરીને શુભેચ્છાઓ આપે… અમે મોટા ભાગે બેસતા વર્ષના બીજા દિવસે અમે બધા ગાડી લઈને કુળદેવતાના મંદિરે જતા રહેતા. મને યાદ છે કે ક્યારેક ‘ધોકો’ પણ આવતો એટલે કે દિવાળી અને બેસતા વર્ષ ની વચ્ચે એક ખાલી દિવસ પણ આવતો. હવે આવું આવતું હોય એવું યાદ નથી આવતું. ઘરના બધા કહેતા કે બધા ફટાકડા ફોડી ન નાખતા દેવ દિવાળી એ ફોડવાના છે. એટલે અમે રાહ જોતા અને ફટાકડા પૂરા થાય એટલે દેવ દિવાળીએ અમારી ઑફિશિયલ દિવાળી પૂરી થાય. પાંચ દિવસની દિવાળી ક્યાં પૂરી થઈ જાય ખબર ન પડે, જેમ ઘરે કોઇ પ્રસંગ આવીને પૂરો થઇ જાય તમને થાક ન લાગે એમ… એટલે આ માત્ર એક તહેવાર નથી પણ ખુશીઓનું એક પેકેજ છે, જ્યાં તમને બધું મળે છે… કદાચ આજે એ જ નથી રહ્યું.. વ્યક્તિ જેટલો દૂર છે સંબધો એટલો જ દૂર છે. તહેવાર માત્ર એક રુટીન રજા બની ને રહી ગઈ છે અથવા તો પરિવારને સાથે લઈ ને ફરવા જતું રહેવાનું એટલે રજા બસ.

પણ આપણું જીવન પણ એક અફાટ સમુદ્ર જેવું છે સતત તેમાં પાણી ઉમેરાતું જાય તેમ જીવનમાં પણ નવી-નવી યાદો ઉમેરાતી જાય અને જૂની ક્યાંક ખૂણામાં જતી રહે.. પણ આપણે તો દરિયાના કિનારે ઉભા રહી આપણા પગલાં આપણાથી દૂર ન થાય તેનું ધ્યાન રાખવાનું છે…

મારી એક નાનકડી કવિતા આપ સૌ માટે દિવાળી અને નવવર્ષની અનેક શુભેચ્છાઓ સાથે સપ્રેમ…

દિવાળી
પર્વ છે ઉત્સવનું
આનંદનું.. ઉમંગનું..
જૂનું ભૂલી આગળ વધવાનું
પ્રેમથી સૌને સાથે લઇ ચાલવાનું
હસવાનું અને હસાવવાનું
ફરી એક શરૂઆત કરવાનું
રોશનીમાં ઝગમગાવાનુંપ્રેમનો અર્થ સમજવાનું
અને..
અંતરની શુભેચ્છા આપવાનું..

 

આલેખન – ધ્રુવ શાસ્ત્રી (3-Nov-2018)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *