dd97a52c-78ac-4851-83e4-bd4ce5412006

ગુજરાત હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે, પછીએ મહાત્મા ગાંધીથી લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, ગુજરાતનો વિકાસ હોય, ગરબા હોય, વિશ્વના દરેક ખૂણે પહોંચતા ગુજરાતી હોય કે પછી ખાખરા કે ઢોકળા હોય,  પણ આ વખતે ચર્ચાનો વિષય કંઇક ખાસ અને અલગ છે. નર્મદા કિનારે સાધુ બેટ પર નિર્માણ થઇ છે લોહપુરુષ એટલે કે આપણા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા.

આ પ્રતિમા બ્રાઝીલની ક્રાઈસ્ટ રીડીમર (30 મીટર), રશિયાના મધરલેન્ડ કોલ્સ (87 મીટર), અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (97 મીટર), જાપાનના ઉશિકુ દાયબુત્સુ (110 મીટર) અને ચીનના સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા (153 મીટર) કરતા પણ ઊચું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી (182 મીટર).

રાજકીય દ્રષ્ટિકોણ દૂર કરીને જોઇએ તો પણ આ પ્રતિમા અનેક પાસાઓમાં આધુનિક એન્જિનિયરિંગ માર્વેલનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રતિમાને 31મી ઓક્ટોબર 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સમર્પિત કરશે. પણ આ પ્રતિમાની કલ્પનાથી લઇને મૂર્તિ સ્વરુપ સુધીની મહેનત કોઇ વિરાટ સ્વપ્નથી સ્હેજ પણ ઓછું નથી.

આપણે નાનપણથી સરદાર વલ્લભભાઈ પટેલ પર નિબંધ લખતા આવ્યા છીએ તો પણ આજે કેટલાને તેમની જન્મ તારીખથી લઇ તેમના જન્મ સ્થળ કે તેમના પરિવાર વિષે માહિતી હશે?

વિદેશમાં જઇને બેરિસ્ટર થયા, વકીલ પણ બન્યા અને બારડોલીના સફળ સત્યાગ્રહ પછી તેઓ ‘સરદાર’ પણ બન્યા પરંતુ આપણે હંમેશા ઇતિહાસમાં આપણો આઝાદીનો સંધર્ષ જ ભણ્યા છીએ પણ 15 ઓગષ્ટ મધ્યરાત્રીએ મળેલી આઝાદી પછી શું? માત્ર બંધારણ જ ઘડાયું? એવા કેટકેટલા કામ હતા જે દેશ આઝાદ પછી અત્યંત મહત્વના હતા જેમાંથી એક હતું 562 દેશી રજવાડાઓમાં વિભાજીત ભારતને એક કરવાનું મહાઅભિયાન. કેટલાકને અલગ દેશ બનાવવો હતો તો કેટલાકને પાકિસ્તાન સાથે ભળવું હતું ત્યારે સરદાર પટેલે સામ-દામ-દંડ અને ભેદની નીતિથી હૈદરાબાદનો મુદ્દો હોય કે જૂનાગઢનો નવાબ હોય તેમણે ભારતને એક અખંડ દેશ બનાવ્યો એક રાષ્ટ્ર બનાવ્યું. પંડિત નહેરુના વિરોધ છતાં તેમણે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો અને તે પૂરો પણ કર્યો. વલ્લભભાઈના રાજકીય, કૌટુંબિકથી લઇને દરેક ક્ષેત્રના અનેક પ્રસંગો છે જે સરદાર પટેલને વિશ્વ વંદનીય બનાવે છે.

વાત છે, 31 ઓક્ટોબર 2013ની…

જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિરાટ સ્વપ્નનું ભૂમિપૂજન કર્યું અને શરુ થયું એક એવું કાર્ય જેની નોંધ આવનારી અનેક સદિઓ લેવાની હતી.

182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ માટે પસંદગી કરાઈ નર્મદાના તટ પર આવેલા સાધુ બેટની. સરદાર સરોવર ડેમ જેમની કલ્પના હતા તેવા સરદારની પ્રતિમા ડેમભિમૂખ બનાવાઈ છે. આટલી વિરાટ પ્રતિમા બનાવવા માટે સાધન સામગ્રી તો જોઇએ જ પણ સાથે જોઇએ કામ કરવાનો અદમ્ય ઉત્સાહ. આ પ્રતિમા નિર્માણનું કામ ભારતની નામાંકિત એન્જિનિયરિંગ કંપની L&T ને સોંપવામાં આવ્યું. આ પ્રતિમાનું કાર્ય ત્યારે જ શરુ થઇ શકે જ્યારે ડેમને દરવાજા લાગે એટલે સૌપ્રથમ વર્ષોથી અટકેલું ડેમના દરવાજા લગાવવાની મંજૂરી મળી. અને સાધુ બેટ પર કામગીરી શરુ થઇ.

રુપિયા 2332 કરોડના ખર્ચે 58 મીટરના બેઝ લેવલ પર ઉભી થનાર આ પ્રતિમાને 42 મહિના જેટલા ટૂંકા સમયગાળામાં તૈયાર કરવામાં આવી છે. સાથે સાથે તેમના પર કાંસાનો વરખ ચઢાવવાનું પણ નક્કિ કરવામાં આવ્યું જેથી પ્રતિમા ભવ્યાતિભવ્ય લાગે.

સરદારની પ્રતિમા માટે નાનામાં નાની ડિટેઈલીંગ કરવામાં આવી. તેમના હાવભાવથી લઇને ચહેરાનું ખુબ બારીકાઈથી કામ કરવામાં આવ્યું છે. સરદારની પ્રતિમાને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે આપણા ખૂબ જ જાણીતા કલાકાર રામ સુતારને કામ સોંપવામાં આવ્યું. અલગ અલગ સાઈઝની પ્રતિમા બનાવી સરદારની જન્મભૂમિ કરમસદ, વાઇબ્રન્ટ ગુજરાત અને ગાંધીનગરમાં કાયમી પ્રતિમા લોકોના અભિપ્રાય માટે મૂકવામાં આવી હતી.

d3c9d2c0-c511-4c4d-9ba5-dfc4c370fb11

હજારો ટન સિમેન્ટ, રીઇન્ફોર્સમેન્ટ સ્ટીલ, સ્ટ્રકરલ સ્ટીલ અને હાજારો મેટ્રિક ટન બ્રોન્ઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અનેક ઇજનેર અને હજારો કારીગરોના અવિરત પ્રયાસ અને મહેનતથી આ પ્રતિમા આજે મજબૂતીથી ઉભી છે.

અહીં માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ નથી પરંતુ સાથે સાથે સરદાર પટેલ પરનું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ પણ અહીં જ બનશે. 153 મીટર ઊંચાઈ પર એક ખાસ ઓબ્ઝર્વેશન ડેસ્ક પણ બનાવવામાં આવી છે, જ્યાંથી વિંધ્યાચલ પર્વત, મા નર્મદાના દર્શન થશે અને અહીંથી આ દ્રશ્ય જોવું એક યાદગાર અનુભવથી સ્હેજ પણ ઓછું નહીં હોય. 17 કિલોમીટર લાંબી વેલી ઓફ ફ્લાવરમાં અનેક પ્રકારના છોડ તેની સુંદરતામાં વધારો કરશે. રણોત્સવની જેમ અહીં પણ ટેન્ટ સિટી બનાવવામાં આવશે સાથે જ થ્રી-સ્ટાર હોટલ શ્રેષ્ઠ ભારત ભવન પણ બનશે. થ્રીડી પ્રોજેક્શન મેપીંગ સહિતના અનેક આકર્ષણ લોકોને દૂર-દૂરથી અહીં આવવા મજબૂર કરશે.

311b2dac-035c-481c-8ca8-d3eb9cc49d00

અહીં નિર્માણ થયેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આજનું એક એન્જિનિયરિંગ માર્વેલ છે, એક એવી પ્રતિમા જે નીચેથી સાંકડી અને ઉપરથી પહોળી હોય, નદિના પ્રવાહની વચ્ચે બનેલી અદ્ભૂત પ્રતિમા. વર્ષો સુધી લોકો યાદ રાખશે અને ગર્વથી કહેશે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ભારતમાં બની અને ભારતના કૌશલ્યએ તેને આકાર આપ્યો અને તેને પૂર્ણ કરી.

તો આવો આપણે સૌ દર્શન કરીએ સરદારની ભવ્યતાના તેમની રાષ્ટ્રભક્તિના અને દ્રઢ સંકલ્પથી સાકાર થયેલા વિશ્વાસના…

——————————–

આલેખન – ધ્રુવ શાસ્ત્રી (31-Oct-2018)
ફોટો ક્રેડિટ – હર્ષેન્દુ ઓઝા

Please follow and like us: