ac6237ed-1e75-45c9-b523-e87ee60319b1

મિત્રના લગ્નમાં જવાનું થયું. લગ્નની તારીખ યાદ રહે કે ન રહે પણ જમણવારની તારીખ કોઇ ભારતીય ક્યારેય ન ભૂલે. લગ્ન તો ચાલતા રહે પણ સૌથી મહત્વનો છે જમણવાર…

લગ્નમાં સમયસય પહોંચ્યા અને સ્ટેજ પર હસતા હસતા ફોટો પડાવ્યો…

મિત્ર બોલ્યો, ‘જમ્યા વગર ન જતો, આપણા પાછળના બધા ઉધાર ચૂકવાય ગયા હોં’..

સ્ટેજ પરથી નીચે ઉતરી સીધા જમવાના કાઉન્ટર પર..

કન્ફ્યૂઝન હી કન્ફ્યૂઝન હૈ…

શરુ ક્યાંથી કરવું… શું ખાવું કે શું ન ખાવું..

પહેલા સૂપ, એક નહીં ત્રણ-ત્રણ વેરાયટી..

…અને પછી જાતભાતની વસ્તુઓ. ચાઈનીઝ, પીત્ઝા, કઠોળ બાઉલ, લાઈવ સાઉથ ઇન્ડિયન, કટલેસ જેવી વાનગીઓ, બધી એક એકવાર ચાખી ત્યાં પેટભરાઈ ગયું.

હજુ મુખ્ય જમવાનું તો બાકી હતું, અંગુર રબડી, લાઈવ હલવોથી લઇને રોટલી, નાન, પરોઠા, બે-શાક, બે-ફરસાણ, દાળ, કઢી અને જીરાભાત અને છેલ્લે આઈસ્ક્રિમ અને પાન.

બસ હવે, કેટલું હોય…

પણ, મોટાભાગના લોકોનું પહેલા રાઉન્ડમાં જ જમવાનું પૂરું થઇ જાય અને બાકીનું ફેંકી દેવાનું. એવી તો કેટલીય થાળીઓ હતી જે આમને આમ ફેંકી દીધી હતી, કેટલો બગાડ, આપણી કલ્પના બહાર

બધુ જ કેટરીંગ પર આપ્યું હતું, ઘરના લોકો પૈસા આપીને છૂટા

હું પણ તૃપ્તિનો ઓડકાર લઇ છૂટો પડ્યો

કદાચ આજે સમયની સાથે જમવાની પરંપરામાં અનેક પરિવર્તન આવ્યા છે,

પંગત પાડીને જમવાનું, આગ્રહ કરી-કરીને જમાડવાનું, જમવાની તૈયારીઓની મજા અને સૌથી વધુ પિરસવાની મજા આવે છે કે નહીં?

મને યાદ છે…

ઘરે કંકોત્રી આવે એટલે ઘરના મોટાઓ સિવાય ભાગ્યે જ કોઇ વાંચતું હશે પણ જમણવારની તારીખ આખાય ઘરને ખબર હોય. ઓફિસમાં કહેવાનું બહાનું ય વિચારી લીધું હોય. જમણવારની મજા જ એ છે. જમણવાર માટે આપણે ત્યાં ‘ચોર્યાસી’ જેવા શબ્દ પણ પ્રચલિત છે. બ્રહ્મ ચોર્યાસી એટલે બ્રાહ્મણોની 84 વિવિધ શાખાના બ્રાહ્મણો એક પંગતમાં બેસીને જમે. એવો એક ઉલ્લેખ મળે છે કે, અમદાવાદ કાંકરિયા કિનારે ભગવાન સ્વામીનારાયણે બ્રહ્મચોર્યાસી કરીને પોતાના હાથે બ્રાહ્મણોને જમાડ્યા હતા. સમગ્ર ગામને જમવાનું હોય ત્યારે ‘ગામ ધુમાડો બંધ’, પ્રસંગને ‘વરો’, મૃત્યુબાદના ભોજનને ‘બારમું’, યજ્ઞ પછીના જમણને ‘જગનીયું’ અને ચૌધરીઓમાં ‘ચોખંડુ’ જેવા શબ્દો છે.

ગામમાં તો જમણવાર પહેલા એક માહોલ બંધાય. થોડે દૂર એક જગ્યાએ લાકડા ફાડવાની (મગબાફણા) શરુઆત થાય, એટલે ગામમાં ખબર પડે કે, હવે જમણવારની તૈયારીઓ શરુ થઇ. જે લાકડા ફાડતો હોય ત્યાં ઘણા ઉત્સાહી લોકો આવે, મારેય ફાડવા છે (હવે ધરે જોરથી કીક ન વાગતી હોય એને લાકડા ફાડવા હોય, પણ પેલો પણ હોંશીયાર હોય કુહાડી આપીને સાઈડમાં ઉભો-ઉભો મફતનું મનોરંજન મેળવે) પરસેવો છૂટી થાય એટલે કપડા સરખા કરી કામે વળગે. તપેલા, કડછો, ડોયા જેવા મોટા વાસણ આવવાના શરુ થાય, શાકભાજી આવે, મસાલો આવે, સીધુ સામાન આવે, એક બાજુ વધાર થતા હોય, શાક સમારાતા હોય સાથે એક ખૂણામાં ખુલ્લા ડીલે એક મહારાજ પૂરી તળતા હોય ત્યારે લાગે કે રસોડામાં ધમધમાટ છે. કોઇપણ મોટા પ્રસંગમાં એક એવો માણસ હોય જ જેનું કામ માત્રને માત્ર દોડવાનું હોય, એ માણસ આખો દિવસ નાની-મોટી વસ્તુઓ લાવવામાં જ પડ્યો હોય, ઉભા રહેવાનો ટાઈમ ન હોય (એ બીચારો આલ્બમ જોવા બેસે ત્યારે એક ફોટો માંડ નીકળે) અને  કેટલાક તો જેમ મીઠી સુગંધ આવેને માખી ખેંચાય એમ કેટલાક તો રસોડાની આસપાસ જ જોવા મળે, અને પૂછો એટલે રસોડાના તાજા સમાચાર એમની પાસેથી મળે (શાક સમારવાથી લઇને મેન્યૂ અને ક્યારે જમવાનું બનશે ત્યાં સુધીના તમામ બ્રેકિંગ ન્યૂઝ મળે)

જમણવારના દિવસે વહેલી સવારથી જ રસોડામાં યુદ્ધ શરુ થઇ જાય. બાકી બધુ તો ઠીક છે પણ, પ્રસંગની દાળ અને તેની મીઠી મીઠી સુગંધ… ભાઈ….ભાઈ…. છેક બહાર સુધી આવતી હોય, ભૂખ ન લાગી હોય તો પણ લાગવા માંડે. આ બાજુ બે-ચાર વ્યક્તિ ‘ચોકી’ લઇને એક ‘ખાસ’ રુમમાં જતા જોઇને વિચારો શરુ થઇ જાય, બરફી હશે, મોહનથાળ હશે, ઘારી હશે કે પછી ડ્રાયફૂટ હલવો હશે અને જો, પ્લાસ્ટિકના મોટા કેન આવે અને પાછળ-પાછળ બરફની પાટ આવે તો નક્કી, કેરીનો રસ અથવા શ્રીખંડ. આ મેન્યૂ કે સ્થિતિમાં ભાગ્યે જ ફેરફાર થાય. ચોકીમાંથી ‘ખાસ માણસો’ જ બટકા કરવા બેસે, બટકા તો કરે જ સાથે થોડું બટકાવતા પણ જાય, ચાખવું તો પડે ને! પ્રસંગ છે, ઇજ્જતનો સવાલ છે!!!

ધીરે ધીરે જમણવાર શરુ કરવાનો સમય આવતો જાય તેમ તેમ બે આંખો બે કામ કરવા લાગે, એક ઘડીયાળ તરફ અને બીજી રસોડા તરફ… જમવાને કેટલીવાર છે હવે? વૈશ્વિક પ્રશ્ન બની જાય. જમવાની ઉતાવળ તો હોય જ પણ કેટલાય ને મળવાનું હોય તેની વધુ ઉતાવળ હોય. બીજી તરફ ઘરના વડીલની આંખો થોડાક મારા જેવા જુવાનીયોને શોધવા માંડે… ‘ચાલો પિરસવાનું છે’ રસોડા તરફ ભીડ થવા લાગે એટલે બાકીના સમજી જાય કે ‘હરિહર’નો સાદ પડવાનો છે. સ્વયંભૂ રીતે લોકો ધીરે ધીરે ઉભા થવા લાગે (આને કહેવાય શિસ્ત) અંદરથી કમંડળ, થા‌ળી, વાટકા, ડીશ અને ગ્લાસ ગણી-ગણીને નીકળવા માંડે અને રસોડામાં મોટા વાસણમાંથી નાના વાસણમાં કાઢવાનું શરુ થાય, ત્યારે કોણ શું પરિસશે તે નક્કી થાય. ‘હું પૂરી લઇશ’ એક કામ કર તું ગોટા લઇ લે’ આટલાથી વાત અટકે નહીં સૂચનાઓ પણ આપે, ‘બે ગોટા જ આપવાના, વધુ માંગે તો બીજા બે આપજે’ (એમને તો એવું જ હોય કે આપણે પહેલીવારના છીએ) બહારની તરફ બેસવાના આસન (પટ્ટા) પથરાઈ ગયા હોય અને પહેલા મહિલાઓને બેસવાનું કહેવાય. જેવું જમવાનું શરુ થાય એટલે શોરબકોર અચાનક જાણે કાનમાં સીસોટી વાગે એટલી શાંતિમાં ફેરવાઈ જાય. પિરસવાનું શરુ થાય… કેટલી સરસ પદ્ધિતિ સાચે જ, એક શિસ્ત અને તાલબદ્ધ… પહેલા મીઠાઈ જાય પછી ફરસાણ, ચટણી, પૂરી, શાક અને દાળ છેલ્લે ભાત. હરિહરનો સાદ પડે અને જમવાનું શરુ થાય. અને હાં, જેમના ઘરે ટીફીન મોકલવાના એ સીધા રસોડામાં ઘૂસી જાય એ તો અલગ!

હવે ટીમના કેપ્ટનની જેમ એક એવો વ્યક્તિ હોય જ જે વારંવાર કોઇને કોઇ સૂચના આપ્યા કરતા હોય. ‘શાક ઓછું આપો, બગાડ ન થાય એનું ધ્યાન રાખો, આટલીવાર કેમ લાગે છે’… હજુ તો પીરસીને પાછા આવે ત્યાં બોલે ‘ચાલો ચાલો કેમ ઉભા રહી ગયા…?’.

મજા હવે શરુ થાય, જેની પાસે ફરસાણ, ચટણી અને શાક. આ ત્રણ વસ્તુઓ જેની પાસે હોય તે મર્યો, અને તેમાંય જો બટેટાનું શાક કે ઉંધીયું હોય તો પૂરું. હવે જૂનો ખેલાડી હોય તો ખબર હોય કે કેવી રીતે જવાબ આપવાના પણ જો નવો નવો ખેલાડી હોય તો… બે ગોટા મૂકીએ તો બીજા બે મૂકને કેમ આવું કરે છે પછી તરત બીજો સવાલ આવે, તું કિશોરનો નાનો દિકરો હેંને? મને ઓળખે છે (આમ કહીને તરત સામેવા‌ળાને ઇમોશનલી પાડી દેવાનો) ઉંધીયામાં રસાથી લઇને બટેટા, રિંગણા અને ડિમાન્ડમાં હોય મેથીની મૂઠડી. પગંત પૂરી થાય ત્યાં સુધી બીચારો શાક વિણ્યા જ કરતો હોય. મજા તો ત્યારે આવે જ્યારે જે વ્યક્તિ બિચારો રાહ જોઇને બેઠો હોય ત્યાં આવી ને ખાલી થાય અને બીજીવાર એ જ વ્યક્તિ ભૂલાય જાય. (કેવો ગુસ્સો આવે, વિચારો)

અને ત્યાં વચ્ચે બે થાળીધારી બોડીગાર્ડ લઇને ધરના વડીલ પ્રગટ થાય, મીઠાઈથી ભરેલી થાળી લઇને આગ્રહ કરવા નીકળે. એક… બે… ત્રણ… બટકા તો આમ જતા રહે. કેટલીક જગ્યાએ આગ્રહમાં સામસામે આવી જાય તો 30 બટકા ખાય જાય (મજાક નહીં સાચે) સામા પક્ષને બતાવી દેવું હોય તો, છોકરા પક્ષે પહેલી પંગત જ એટલું તો જમે કે બીજીવાર રસોઇ બનાવડાવવી પડે, એવી સ્થિતિ કે બીચારાઓ ક્યાં જાય એટલે મોટાઓ આવીને રોકે ત્યારે રોકાય… (કેવો હશે આ જમાનો!)

પીરસવામાં કમરની શું હાલત થાય એ તો પીરસનારો જ જાણી શકે, પણ પીરસનારના આ ઉત્સાહની કોઇના કોઇ ખૂણે કોઇ સીસીટીવી નોંધ લેતું જ હોય. છોકરાની પૂછપરછ થવા લાગે, કોણ છે, કોનો દિકરો છે, ક્યાં કામ કરે છે… જેટલો ઉત્સાહી નોંધ તેટલી વધુ લેવાય… પિરસનારને પિરસનારી મળી જ રહે… છોકરી તેને જઇ વરે જે પરસેવે ન્હાય (આવા સમાજીક પ્રસંગો પહેલા મેરેજ બ્ચૂરોનું જ કામ કરતા, એટલે જ બધા ભેગા થાય અને પાછા એકલા ન આવે હોં, છોકરા-છોકરીઓને સાથે લઇને આવે… આતો શું બંને એકબીજાને જોઇલે તો સારું ને એમ…)

કેપ્ટનને ટીમની ક્ષમતાનો અંદાજો હોય તેમ જ આ ટીમનો કેપ્ટન એવા ત્રણ એક્સ્ટ્રા ખેલાડી શોધી લે  જે ઉંમરમાં નાના પણ હોય અને ઉત્સાહી પણ હોય. એક સંભારો આપવા અને બીજા બે પાણીનો ગ્લાસ અને પાણી આપવા. પંગત જમાડવામાં જેટલું કષ્ટ ન પડે એટલું આ પાણી આપવામાં થાય પણ સમજે એ બીજા (વર્ષો જૂની દાજ આજે કાઢે) અને બીચારા છોકરાઓ મોટાઓને શું બોલે, એકપણ પ્રશ્ન કર્યાવગર ફુગ્ગાઓ છોડી હાથમાં જગ પકડી લે.

મોટાભાગના લોકો જતા રહ્યા હોય ત્યારે પીરસનારનો જમવાનો વારો આવે, પણ ત્યારે કેટલાક એવા હિતેચ્છુઓ પણ હોય જે ગમે એટલી ઉતાવળ હોય તો પણ રાહ જૂએ અને પીરસનારને પ્રેમથી અને આગ્રહથી જમાડે, ત્યારે બે કલાકનો થાક આમ ઉતરી જાય.

પણ કામ પુરું નથી થયું… જમણવાર પુરો થયા પછી વાસણ ગોતવાના અને પછી બેસીને ગણવાના, જેટલા જ્યાંથી લાવ્યા ત્યાં મુકવા જવાના પછી નાના હોય કે મોટા બીજી તરફ ઘરની મહિલાઓ રસોડામાં શું વધ્યુ અને શું ઘટ્યું તેનો હીસાબ માંડે લઇ જવા જેવું હોય તે ભરીને ઘરે આવે બાકીનું ત્યાં વહેંચાઈ જાય. નાનું નાનું તો હજુયે કેટલું ય બાકીનું બાકી જ હોય. પ્રસંગ પૂરો થયાના બે દિવસ સુધી ઘરમાં તેની ચર્ચા ચાલે, કોણ આવ્યું, કોણ ન આવ્યું.

હું કોઇ તુલના નથી કરતો, પણ આજે પ્રસંગ નક્કી થાય એટલે કેટરીંગની એજન્સીને આપી દેવાનું એટલે તમારું ટેન્શન પૂરું, નાની થાળીથી લઇને વધ-ઘટ સુધી બધી જવાબદારી તેમની, પૈસા આપીને છૂટા… પણ આ છૂટકારો તમારા ટેન્શનથી છે કે એક એવી પરંપરાથી જેણે વર્ષો સુધી કેટલાયના જોડા ગોઠવી આપ્યા છે. સમયની એવી ધારાથી દૂર થતા રહ્યા છીએ જેમાં ગળાસુધી જમાડવાનો આનંદ હતો, બીજાના પ્રસંગને પોતાનો સમજી કામ કરવાનો અનેરો ઉત્સાહ હતો. અજાણતા જ સમાજ જીવનના કેટલાય પાઠ શિખાઈ જતા હતા. પંગત સાથે બેસે અને સાથે ઉભી થાય, થા‌ળીમાં જમવાનું પડતું ન મૂકાય, પંગતમાં કેવી રીતે જમાય એવા જમવાના નિયમો શીખવવા ન્હોતા પડતા…

અને પછી એવી ફરિયાદો કરે કે મારી દિકરી માટે સારો દિકરો નથી મળતો.

ક્યાંથી મળે… મહેનત તો કરવી પડે ને…!!

(તસવીર : શૈલેન્દ્રભાઈ શાસ્ત્રી)

 

Dhruv Shastri (10-Aug-2018)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *