004

મુશ્કેલી નાની હોય કે મોટી… તરત જ બોલીયે, હે… મહાદેવ મદદ કર

મુંજવણ મનની હોય તે તનની… તરત જ યાદ આવે ભોળાશંભૂ રસ્તો દેખાડો

પરીક્ષા હોય કે ગર્લફ્રેન્ડના પેરેન્ટસ સાથે મીટીંગ… એક જ વાત, હે… મહાદેવ આજે સંભાળી લેજે

તકલીફ પડે કે માર… છેલ્લે એક જ વાક્ય, મહાદેવ ક્યારેક તો સાંભળ મારી મૂંઝવણ

એવા દરેક જગ્યાએ જો તારી મુંઝવણ મહાદેવ દૂર કરતા રહે છે તો, ભઈલા, ક્યારેક મહાદેવની મુંઝવણને ય સમજો, યાર

સવાલ થતો હશે કે મહાદેવ, ભોળાનાથ, શંકર, શિવશંભુને વળી શેની મુંઝવણ હેં ને? પણ મિત્રોં એ ભોળીયોનાથ અગીયાર મહિના શ્મશાનમાં એકલો એકલો ધ્યાન ધરે ત્યારે કોઈને યાદ ન આવે. હા, રડ્યા-ખડ્યા લોકો જાય દૂધનો લોટો લઈને દૂધ ચડાવા અને જેવો શ્રાવણ આવે એટલે આવડા એવા ખોબા જેવા મંદિરમાં દૂધ અને લોટા ચડાવવાવાળાઓનું કીડીયારું ઉભરાય, વારો ન આવે વારો…

પણ કેટલાક નમૂના તો સીધી કોથળી જ… દાંતથી તોડી ને દે ધનાધન…

પણ, ભઈલા એને શ્વાસ તો લેવા દે… ગુંગળાઈ ગ્યો છે મહાદેવ… મુંઝાય છે હવે…

આપણે ત્યાં બિલ્વપત્ર ચડાવવાની પણ એક પદ્ધતિ છે પણ નહીં, કાં તો સીધો ઘા કરવાનો અથવા તો બિલ્વનો સીધો મહાદેવ પર ઢગલો કરવાનો… અને હદ તો ત્યાં થઇ જાય કે ચામડાની વસ્તુઓ પહેરી હોય, મોજા ગંધાતા હોય, માણસ સમાતા ન હોય તોય કલાક-કલાક સુધી ગર્ભગૃહની બહાર ન નીકળે, ના છૂટકે મંદિરવાળાઓએ સૂચના મારવી પડે, બોલો… તોય પાલન કરે એ બીજા. ઘરેથી લાવેલી વસ્તુઓને એવી રીતે ચડાવે કે ભગવાનને અહેસાસ થાય, શિવલિંગને પણ એવી ઘસે…એવી ઘસે કે બે ઇંચ નાની કરી નાખે…આમ કૈલાસ સુધી અનુભવાવું જોઇએ હાં…

શ્રાવણ મહિનામાં તમામ શિવ ભક્તોને એવું લાગે કે આ એક જ મહિનો છે જ્યારે શિવજી મંદિરમાં છે, પછી મંદિર છોડીને કૈલાસ જતા રહેવાના હોય, કોઇપણ મંદિરમાં જાવ ઉભા રહેવાની જગ્યા ન હોય પછી એ સોમનાથ હોય, મહાકાલ હોય કે ઘરની નજીકનું કોઇ નાનકડું શિવ મંદિર હોય. ભક્તો તમને રીતસર અડફેટે લે, એટલી ધક્કામૂક્કી. માત્ર લાઇનમાં જઇને તમારા શરીરને ખુલ્લું મૂકી દેવાનું બસ, ભીડ તમને અંદર લઇ જાય- દર્શન કરાવે અને બહાર ફેંકી પણ દે…(અનુભવ કરવા જેવો ખરો હોં)

ઘરની નજીક એક ગણેશજીનું મંદિર છે, રસ્તાને અડીને જ છે. અંગારીકા ચોથ હતી તો સવારે દર્શન કરવા ગયો, એક એક્ટિવા ધારક ભક્ત સીધું ગર્ભગૃહ સુધી લઇને ઘૂસી આવ્યા અને ત્યાં જ એક્ટિવા પર બેઠા-બેઠા દર્શન કરીને નીકળી ગયા… ધન્ય છે આવા મહાન ભક્તોને… ભગવાન હાજરી પૂરી લેજે…

મંદિરમાં પુજારી અને બહાર પ્રસાદ બંને ભક્તોને મુંજવી નાખે, જેટલું મોટું મંદિર એટલી મોટી મુંજવણ. પૂજા કરાવવી હોય તો પૈસા, લાઈન વગર દર્શન કરવા હોય તો પૈસા, અંદર જવું હોય તો પૈસા, જળ ચડાવવું હોય તો પૈસા, આરતીના દર્શન કરવા હોય તો પૈસા અંતે તો પ્રસાદ જોઇતો હોય તો પણ પૈસા…

સાલો, સવાલ થાય કે પૈસા માટે પ્રભુ કે પ્રભુ માટે પૈસા હેં!!!

ઘર્મના નામે મુંજવતા લોકોને જોઇને કદાચ મંદિરમાં બેસીને પ્રભુ કેવો મુંજાતો હશે!!!

પણ શ્રાવણની આ એક જ મુંજવણ નથી… બીજીય છે ઓલા બે ટાઈમ દોથું ભરીને ખાનારા… આજે ઉપવાસના નામે ડબલ ખાય છે… તો એના પર કૃપા કરવી કે કોપ હેં…?

ત્રણવાર સ્નાન અને એક વાર ભોજનથી શરુ થયેલી આ પહેલી કથા…

’ફળાહાર’થી શરુ થયેલી આ બીજી કથા પહોંચી છે ‘ફરાળ’ સુધી…

એકટાણું કે ઉપવાસ ભક્તિની દ્રષ્ટિએ બહુ જ મહત્વનું છે. શરીર અને મન ભોગથી ભક્તિ તરફ પ્રવાસ કરે, મન ભટકતું બંધ થાય, ભક્તિમાં મન ચોંટે અને જીવમાંથી શિવ તરફ ગતિ કરે.

શાસ્ત્ર કહે છે કે, ઉપવાસ કે એકટાણું કરવાનું હોય તેની આગલી સાંજથી જ ભોજન બંઘ કરી દેવું જોઇએ. સૂર્યોદયથી સૂર્યોદયનો એક દિવસ ગણાય પરંતુ… અહીં તો ખાવાવાળા માટે રાત્રે 12 વાગ્યે દિવસ બદલાય એટલે 12 વાગ્યા પછી રીતસર તૂટી પડવાનું… રાત્રે જ ગાંઠીયા-જલેબીથી મેચ શરુ થાય તે ભજીયા પર આવીને ઉભી રહે

પણ મૂળ મુદ્દો છે…. મનમાં મહાદેવ મુંઝાય કેમ કે…

ગુજરાતીઓ ‘ફરાળ’ના નામે એટલું ખાય કે આખી થાળી ભરાય જાય. રીતસર દરરોજ ન જમતા હોઇએ એટલું ઉપવાસ કરીને, ઉપવાસના નામે જમી લેવાનું. અને પછી કોઇ કંઇ આપે એટલે વટથી કહેવાનું ‘આજે ફાસ્ટ છે’. હવે ઉપવાસ એ Change of Food થઇ ગયું છે. ફરાળ પણ એક થાળી ભરાય એટલું બને. સામાન્ય દિવસ જેટલી જ વસ્તુઓ હોય તેમાં… તો સામાન્ય દિવસના જમવામાં અને ફરાળમાં ફરક શું એજ ન સમજાય, એટલું દાબીને જમવાનું… સોરી, ફરાળ કરવાનું. માત્ર તમારી જાણ માટે એક ‘નાનકડું’ લીસ્ટ બનાવ્યું છે કે માત્ર આપણા ઘરમાં ‘જ’ કેટલી ફરાળી વાનગીઓ બને છે…

રાજગરાનો શીરો, શિંગબટેટાની ખીચડી, સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા, તળેલી શિંગ, મોરયાની ખીચડી, સુકીભાજી, રાજગરાના થેપલા, રાજગરાની પૂરી, બટેટા વેફર, કેળા વેફર, શિંગોડાના લોટની કઢી, શિંગપાક, ટોપરાપાક, સુરણની સૂકીભાજી, મોરૈયાની ખીર, શક્કરીયાની વેફર, રતાળુની વેફર, શક્કરીયાનો શિરો, ફરાળી કચોરી (બફવડા)…

આ મેન્યુ સામાન્ય ગુજરાતી ઘરોમાં બનતું હશે અને ઘર અનુસાર જે વિશિષ્ટ પ્રકારની વાનગીઓ બનતી હશે એ તો અલગ જ બોસ…

પણ, પણ, વાર્તાનો મુંઝારો હજુ બાકી છે,

હવે મનમાં મુંજારો થાય કેમ કે પેટમાં લાગી છે ભૂખ. તો, હવે ક્યાં જવું (સામાન્ય નિયમ એવો છે કે જે અંદર ન મળે તેને બહાર શોધવાનું)

અને એટલે જ એ શોધથી શરુ થયું બહાર ફરાળી ખાવાનું. શરુઆતના વર્ષોમાં યાદ છે કે, ફરાળી સાબુદાણાવાળી ખીચડી મળતી હતી પણ આજે તો લોકોએ ફરાળીમાં કંઇ બાકી નથી રાખ્યું… મેન્યુ વાંચવું છે?

તો વાંચો…

ફરાળી ઢોકળા, ફરાળી ખાંડવી, ફરાળી હાંડવો, ફરાળી માલપુવા, ફરાળી હાંડવો, ફરાળી કેક, ફરાળી રસગુલ્લા, ફરાળી મૈસુબપાક, ફરાળી દહીંવડા, ફરાળી પાંઉભાજી, ફરાળી પીત્ઝા, ફરાળી વડાપાંઉ, ફરાળી ઇડલી સાંભાર, મોરૈયાના ખમણ, ફરાળી ફુલવડીથી માંડીને ફરાળી થાળી સુધી…

એક માહિતી પ્રમાણે રાજકોટમાં એક ફરાળી હોટલ પણ ખુલી છે, હવે ચાલુ છે કે નહીં તેની જાણ નથી પણ ફરાળી હોટલ ખુલે આ કેટલી મોટી વાત છે!!

IMG_20180827_161728866IMG_20180827_204957246IMG-20180815-WA0000

ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો મોટી મોટી હોટલમાં ખાસ ફરાળી મેન્યુ બનાવવામાં આવે, મોટા મોટા ફરાળીના બોર્ડ લાગે અને લોકોની ભીડ પણ એટલી જ જામે… ઇટાલીની આઈટમ પીત્ઝા-ભારત આવે- લોકો પસંદ કરે અને તેનું ફરાળી વર્ઝન પણ આપણે બનાવી લઇએ. જેમ ચાઈનીઝ ફૂડ, મૂળ ચાઈનીઝ ફૂડ તો આપણે ભાવે પણ નહીં એટલું ફીક્કુ હોય છે પણ એ જ ચાઈનીઝ ફૂડ ભારતમાં આવે ત્યારે ભારતીય બની જાય, તીખું થઇ જાય અને જીણી આંખોવાળા નેપાળી ચાઈનીઝ ભેળ પણ બનાવે બોલો… ક્યાં જવું… કોને કહેવું…

આ વાત અહીં પૂરી નથી થતી હોં… શ્રાવણ પૂરો થતાં-થતાં મોટા તહેવાર આવે, બળચોથ આવે ત્યારે મગ અને રોટલા ખાવાના, નાગપાંચમ આવે ત્યારે ‘કુલેર’ની પ્રસાદી સાથે ગળ્યા-તીખા અને મોળા ‘ખાજા’ ખાવાના અને સાતમ-આઠમ તો હજુ ઉભીને ઉભી જ… ફરાળના નામે એક જ મહિનામાં કેટલી વેરાયટી ખાવા મળે, એ પણ ‘ડાયેટ’ની ચિંતા કર્યા વગર!! બાકીના અગિયાર મહિનાનું વિચારો???

મન અને શરીરને આરામ આપવાનો વિચાર જ વરાળ થઇ ગયો, ઘરમાં બનાવેલું જ જમવાનું, ડુંગણી-લસણ નહીં લેવાના, ફળ જ લેવાના આ વિચાર માત્ર રહીને આજે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. શ્રાવણ મહિનો કરનાર 100માંથી 70 ટકા લોકોનું તો વજન વધ્યું જ હશે છતાં કેટલી મજા આવે કે આપણે તો શ્રાવણ મહિનો કર્યો અને એ જ ભક્તો મંદિરમાં જઇને ઘમકી આપે કે આખો મહિનો તારા માટે ભૂખ્યો રહ્યો, હવે તો થોડું મારી સામે જો…

હવે આવો ચાર ટંક પેટ ભરીને ખાધા પછી ધરાઇને…. શ્રાવણ મહિનાના ઉપવાસ-એકટાણાં કર્યા હોય પછી મનમાં બેઠેલા શિવજી કેટલા મુંઝાય તમે જ વિચારો…

પણ શ્રાવણ લીલોતરીનો આનંદ પણ છે, ઉત્સવનો ઉત્સાહ પણ છે, હરખની હેલી પણ છે

હાં, એક એવો સમય પણ આવે જ્યારે અંદરનો માયલો ખુશ થાય, મજા પડે, મોજ થઇ જાય

સાતમ અને આઠમ

આ બે દિવસની શ્રાવણ મહિનો શરુ થાય ત્યારની રાહ જોતા હોઇએ. સ્કૂલમાં નાનું વેકેશન પડે, ક્યારેક નવા કપડા પણ આવે, નવી મીઠાઈઓ પણ બને.

સાતમમાં ઠંડુ જમવાનું હોય એટલે ડબાઓ ભરી સવારથી જ શહેરની ભીડ-ભાડથી ક્યાંક દૂર પ્રકૃતિ વચ્ચે જતું રહેવાનું. (ત્યારે મોબાઈલ કે મોબાઇલ કેમેરા ન્હોતા એટલે સ્ક્રિને બદલે આંખોમાં થઇ રોમરોમમાં પ્રકૃતિની લીલાશ અને સુગંધને ભરી લેતા) નિશ્ચિત જગ્યાએ પહોંચીને પહેલા તો ખુબ રમવાનું, મોટાઓ પણ બાળકોની સાથે રમે ત્યારે લાગે કે પપ્પાને આટલી બધી રમતો રમતા ય આવડે છે! ભૂખ લાગે ત્યારે શરુ થાય ‘વન ભોજન’ ડબ્બા પાર્ટી કહો તો પણ ચાલશે… અને ડબ્બા માંથી નીકળે જાતભાતની વસ્તુઓ, પેટ ભરીને જમવાનું અને પછી જ્યાં જગ્યા મળે ત્યાં સૂઇ જવાનું…

સાંજે ઘરે આવીએ ત્યારે મેળામાં જવાનો પ્લાન બને. નવા કપડાં પહેરીને મેળામાં સિક્કા પાડવા જવાનું. નવા બુટ લીધા હોય તો માટીમાં ક્યાંય સુધી તેની છાપ જોવાની જે મજા આવતી’તી… ખરેખર. પપ્પા પાસે તો ચાલે નહીં એટલે મમ્મી પાસે કોઇ વસ્તુનું વેન (માંગણી) કરવાનું અને ત્યારે બધા સાથે હોય એટલે કોઇને કોઇ તો અપાવી જ આપે, આપણું કામ પણ થઇ જાય ને કોઇ ખીજાય પણ નહીં, નાના હોઇએ એટલે છટકી જવાનું…

સૌરાષ્ટ્રની જુદી જુદી જગ્યાઓએ નાના નાના મેળા ભરાય પણ સૌથી પ્રખ્યાત છે રાજકોટનો મેળો. રાજકોટનો સાતમ- આઠમનો મેળો કર્યા પછી તમને ક્યાંય ન ગમે તેની ગેરેંટી. આખું સૌરાષ્ટ્ર રાજકોટમાં હોય એવું જ લાગે. એટલો મોટો મેળો અને એટલી બધી વસ્તુઓ ત્યાં મળે, મોટા મોટા ચકડોળ, રમતો અને શોપિંગ માટે બહુ બધું… શિવરાત્રીએ જુનાગઢનો મેળો કે પછી તરણેતરનો મેળો.

Dhruv Shastri (10)

મેળામાં દૂર-દૂરથી માણસો પણ આવતા અને વસ્તુઓ પણ આવતી. માણસોની સાથે મન પણ ચકડોળે ચડતું, આનંદથી ભરાઈ જતું પણ આજે સાપ ગયા ને લીસોટા રહી ગયા એવી સ્થિતિ છે… બધુ મોર્ડન થઇ ગયું છે, માત્ર Shopping Distinction બની ગયું છે. ઘરે ઘરે મોટા વાહનો થઇ ગયા Weekend Plan હોય એટલે મોટાઓને તો ઠીક પણ બાળકોને પણ એવી આતુરતા નથી રહેતી, કેમ કે તહેવારો પણ હવે સામાન્ય દિવસો જેવા બની ગયા છે. પણ કદાચ આઠમનો મેળો અને દશેરાએ રાવણ ફૂટે ત્યારે આ બે જ પ્રસંગો એવા હતા જ્યારે પપ્પા ખભા પર બેસાડીને મારાથી પણ મોટા બનવાનું છે એવો અહેસાસ કરાવે…

આ ઉત્સાહ અને અનેક મુંઝવણ વચ્ચે બીચારા મહાદેવ ક્યાં જાય?

મજા પણ આવે અને ગુસ્સો પણ… આશિર્વાદ પણ આપે અને….

પણ આ તેમણે જ બનાવેલા તેમના ભક્તોની ભાગદોડથી ભરેલી જિંદગીને જોઇને

કદાચ હવે મહાદેવજી પણ થોડું એડ્જેસ્ટ કરી જ લેતા હશે

ક્યાં જાય…

માનવોની ભીડમાં મહાદેવ મુંઝાય છે
ત્રીજું નેત્ર ખોલવું છે પણ દરેક હાથમાં એક અરીસા છે

મારી જ સામે મારો વ્યાપાર થાય છે
માનવ નિર્માણની ભૂલનો રોજ પ્રાયશ્ચિત થાય છે

ક્ષણિક પ્રેમ માટે કેટલું વેઠવું પડે છે
માંગણીના અસ્ત્રોને કેટલા સેહવા પડે છે

માનવને દરરોજ લાગે કે ઉપરવાળો કેટલો ખુશ છે
તે અજાણ છે કે આ આપેલા દુ:ખની નીશાની છે

મારી વાતોને પોતાની રીતે સમજી રહ્યા છે
અભિષેકને બદલે ધોધ વરસાવી રહ્યા છે

મંદિર છોડીને સ્મશાનમાં ચાલ્યો જાવ
કૈલાસ છોડી સમાધીમાં ચાલ્યો જાવ

મહેશ, ભોળાનાથ, શંકર બન્યો
પણ, હવે નીકલંઠ નહીં બનાય

Dhruv Shastri (31-Aug-2018)

 

Painting Credit: Hemal Solanki

Please follow and like us: