BNP_5320

આવ રે વરસાદ…

 

કોણ વરસાદનું કદ જુએ છે, કોણ છાંટાના નીરખે ઠઠારા
કોણ જૂએ છે રેલાની દાનત, કોણ જાણે છે ઝીણાં મૂંઝારા

એક વરસાદના અર્થ થાતાં છાપરે છાપરે સાવ નોખા
ક્યાંક કહેવાય એને અડપલાં, ક્યાંક કહેવાય એને તીખારા

તે ચોમાસુ છે કે જુલમ છે, અમને વાગે છે ઘોંઘાટ વસમો
પડતો વરસાદ દાંડીની પેઠે, થઈ જતાં સર્વ માણસ નગારા

આવે છાંટા બુકાનીઓ બાંધી, આવે વાંછટ તલવાર લઈને
છે કયો દલ્લો મારી કને કે ઘાડ પાડ્યા કરે છે લૂંટારા

રમેશ પારેખ

વરસાદ માત્ર એક ઋતુ કે સ્થિતિનું નામ નથી…

વરસાદ એક અનુભવ છે
એક તડપ કે આવકારનું આમંત્રણ છે
વિરહના ટપકતાં આસું છે
બંધ હોઠમાં થતી અભિવ્યક્તિ છે
કોઇની દૂરરરરરથી આવતી યાદ છે
ઠંડકમાં થતો ગરમીનો મુલાયમ અનુભવ છે
મેધદૂતનો સાર છે
બોલાયેલા શબ્દોનો અર્થ છે
લાંબાવાળનો વાગતો ઘા છે
ખાબોચીયામાં મૂકેલી નાવ છે
અને,
તને નિરખ્યા કરવાનો લ્હાવો છે

વરસાદ સૌનો પોતાનો છે, અલગ- અલગ.
વ્યક્તિ-વ્યક્તિએ હોય કે ઉંમર-ઉંમર હોય વરસાદ સૌનો અલગ, જેમ છે અલગ મારો અને તમારો…

‘‘એક વરસાદના અર્થ થાતાં છાપરે છાપરે સાવ નોખા
ક્યાંક કહેવાય એને અડપલાં, ક્યાંક કહેવાય એને તીખારા’’

વરસાદ એ જ છે, પણ દરેક વરસાદની લાગણી અને તેની સાથે જોડાયેલા સંભારણા અલગ હોય, પરંતુ ઉંમર સાથે પલળેલા કપડાની સાથે ભીની યાદનો ભાર પર વધતો જતો હોય છે.

હજુ યાદ છે, જ્યારે વરસાદ એટલે માત્ર સ્કૂલે ન જવાનું બહાનું જ નહીં પણ ક્યારેય પૂરો ન થાય તેવો આનંદ. સ્કૂલે તો જવું હોય નહીં છતાં ઘરેથી ધક્કા મારીને મોકલે. સફેદ શર્ટ અને કાળું પેન્ટ અમારો સ્કૂલ ડ્રેસ. રિસેસમાં જો વરસાદ પડ્યો હોય તો રીતસર ન્હાવાનું અને પછી એ ટપકતા સ્કૂલ ડ્રેસ સાથે બેંચ પર બેસવાનું, બેંચ પરથી ધીમે ધીમે ટીપાં પડતા જાય ને ધીમે ધીમે કપડાં સુકાતા જાય. કોઇને ઠંડી ચડે તો કોઇ ઘરેને ઘરે જવાનું બહાનુ મળી જાય. દફતર અને ચોપડાનું જે થવું હોય તે થાય, ભીના થાય, ફાટી જાય, ઘરે લાફો પડે કોઇની ચિંતા નહીં બસ, પલળવાનું… સફેદ શર્ટનું તો શું થતું હશે તે વિચારવાનું. બધા મિત્રો જતા રહે પછી ધીમે ધીમે સ્થિતિની ગંભીરતાનો અહેસાસ થાય, ઘરે જઇશું પછી શું થશે? કોણ શું કહેશે? એટલે તરત જ સ્કૂલે જતો છોકરો હોય કે છોકરી કલાકાર બની જાય. જેવા ઘરે પહુંચે એટલે એટલા ગંભીર બની જવાનું કે, ભીના થવાનું જેટલું દુ:ખ મને થાય છે એટલું કોઇને નહીં થતું હોય, ‘હવે નહીં કરું’ કહીને છૂટી જવાનું (જેલમાંથી મળેલી જામીનનો આનંદ). અને જો સાંજે ફરી વરસાદ આવે તો, ફરી પૂછ્યા વગર ન્હાવા જતું રહેવાનું અગાશીમાં, કોઇ જોવા કે પૂછવા ન આવે, કલાક સુધી ન્હાવાનું અને જેવો ધીમો પડે એટલે રેતીમાં તળાવ બનાવવાનું, નહેર બનાવવાના અને નાની-નાની હોડીઓ બનાવીને રેસ લગાવવાની અને એક જ ગીત ગાવાનું… આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. સળંગ બે-ત્રણ વાર ભીના થયા હોઇએ એટલે શું થાય? તાવ આવે, શરદી થાય અને સ્કૂલે બીજા બે દિવસની રજા.

સૌથી અઘરું કામ હોય ને મમ્મીઓનું. આ દિવસોમાં મમ્મીઓની ચિંતા સેન્સસેક્સની જેમ વધવા લાગે. ઘરની સાથે બાળકનું પણ ધ્યાન રાખવાનું. રાત્રે સૂઇ ગયા હોઇએ તો પણ કામ પુરું થયા પછી પ્રેમથી માથા પર હાથ ફેરવે અને છાતી, નાક અને માથા પર વિક્સ લગાવી આપે. કદાચ આ એક જ એવી શક્તિ હતી કે બીજા દિવસે સ્કૂલે જવા તૈયાર થઇ જતા. ઘરમાં બધા ખીજાય પણ મા એટલું જ કહે કે, ‘થોડું ઓછું પલળજે…’

પછી તો ઉંમરની સાથે મસ્તીઓ પણ ઓછી થતી જાય (પરિવારને પણ આ જ અપેક્ષા હોય). દફતરમાં પ્લાસ્ટિકની થેલીઓ મુકાઈ જાય, સ્કૂલ ડ્રેસ બગડે નહીં એટલે ખાસ પપ્પા રેઇન કોટ લાવી આપે, ક્યારેક સાઈકલમાં હવા કાઢી નાખવાની (ક્યારેક આપણી તો ક્યારેક બીજાની) તો ક્યારેક અંદરથી જ પલળવાની ઇચ્છા ન થાય એવું પણ બનતું (મોટા થયાનું દુ:ખ) પણ આ બધાનો સરવાળો કરીએ તો મોબાઈલ હતા નહીં અને સૌથી મોટી વાત કે કોઇ નાના-મોટા ટેન્શન લઇને ન્હોતા ફરતા, જલસા કરતા, મસ્તી કરતા અને બને એટલા તોફાન કરતા. આમ કરતા 10મું આવે, 12મું આવે, ને અચાનક મોટા થઇ જઇએ.

 

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે. – તુષાર શુક્લ

પલળવાની ખરી મૌસમ. ઉનાળાના ઘમઘોખતા તાપમાં બળીને શરીર તપવા લાગ્યું હોય ત્યારે એક વરસાદના છાંટાથી જનમોજનમની અગ્નિ શાંત થઇ જાય. અત્યારે આપણી સ્થિતિ તાનસેન જેવી જ થઇ જાય કારણ કે આપણને દિપક રાગની અગ્નિનો પણ અહેસાસ થાય અને તાના-રીરીના મલ્હાર રાગના આલાપથી વરસાદની ઠંડકનો પણ અનુભવ થાય. આ એવી ઋતુ જે સૃષ્ટિના કણ કણને નવપલ્લવિત કરે, તેમાં ચેતનાનો સંચાર કરે. સૂકાયેલા ઝાડ હોય કે ગમગીન માણસ વરસાદનું એક ઝાપટું બધુ જ ખંખેરી નાખે અને તાજામાજા કરી દે. કદાચ એટલે જ જળને જીવન સાથે સરખાવ્યું હશે. એક નવો રોમાંચ, તદ્દન નવો અનુભવ અને સંવેદનાની પરાકાષ્ઠા.

ચોમાસું આવે એટલે જાણે આપણી અંદર કવિ કાલીદાસના મેઘદૂતનો યક્ષ આળસ મરડે, મૃચ્છકટિકમ્ નો ચારુદત વસંતસેનાને પામવા મથે અને શ્રીરામની જેમ સીતાજીનો વિરહ વ્યાકૂળ બનાવે. બારી બહાર ઘેરાતા વાદળો જોઇ હૃદય-મગજ અને ઘડિયાળના કાંટા એક સાથે દોડવા લાગે, ઓફિસથી જલ્દી નીકળી ‘લોન્ગ ડ્રાઈવ’ પર નીકળી જવાનું મન થાય, પલળતા-પલળતા મકાઈ એકની બે કરવાની મજા કદાચ આ ઉંમરમાં સૌથી વધુ આવતી હોય છે. ઉભરાતા લાગણીના ધોધમાં ન્હાવાની મૌસમ. વરસાદ પણ યુવાનીના પ્રેમ જેવો છે, ધીમે ધીમે વરસે તો જમીનમાં ઉતરે, ઠંકડ કરે તેમ પ્રેમ પણ જીવનમાં ઉતરે અને દિશા બદલી નાખે, બીજી તરફ એ જ વરસાદ જો રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો જે હોય તે પણ લઇ જાય એવી જ રીતે પ્રેમ પણ કોઇ એવી વ્યક્તિ સાથે થાય તો જીવન પણ પૂરની જેમ વહી જાય, પછી રહી જાય માત્ર કોહવાટ.

 

કમાલ કરે છેકમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે. –  સુરેશ દલાલ

ઉજવણીનો અવસર આવી પહોંચ્યો છે આંગણે. જીવનની ક્ષિતિજે આવીને જ્યારે વરસાદને યાદ કરીએ ત્યારે દરેક શબ્દનો અર્થ સમજાય. એકમેકને આપેલા એ વચનો યાદ આવે. ગરમ ચાની ચુસ્કી, દાલવડા અને જૂના ગીતોનો સહવાસ મળે. જેની સાથે વૃદ્ધ થવાની અદમ્ય ઇચ્છા યુવાનીમાં થઇ હોય તે જ વ્યક્તિને વરસતા વરસાદમાં પોતાની બેસાડી બસ જોયા કરવી, કદાચ સુખ એટલે આટલું જ હશે! ખરેખર. અંદરનો માધવ તો આજે પણ રાધા સાથે રમવા એટલો જ વ્યાકુળ થતો હશે. આ એવો સમય જ્યાં સમયે પાડેલા ચહેરા પરના લીસોટા વચ્ચેથી સમય પાણીની જેમ ક્યારે વહી ગયો તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. સહવાસનો આનંદ અને વિહરની લાગણી પણ છે. ક્યાંક બધુ જ મેળવ્યા પછી કંઇક ન મળ્યાનો પસ્તાવો સતાવે તો ક્યાંક કશું જ ન મેળવ્યા પછી પણ થોડું મળ્યાનો આનંદ છે. યુવાનીમાં ઉગાડેલું એ પ્રેમનું નાનું વૃક્ષ આજે મોટું થઇને તેમાં ફૂલની મહેક છે. પરિસ્થિતિના અનેક નિશાન રહી ગયા હશે જીવનમાં પણ આનંદના એકએક ક્ષણની મહેક ફરી સાત જનમ સાથે રહેવા ચોરી બાંધે છે.

વર્ષાનું આગમન બંને હાથ ખોલીને ધ્રુવ શાસ્ત્રીની અછાંદસ રચના સાથે,

તેતારા જેવો છે

પહેલા ખૂબ તડપાવે પછી

એટલો પ્રેમ કરે

પ્રેમ કરે એટલું નહીં

આખેઆખો તરબતર કરે

અને ગુસ્સો કરવાનો હક પણ આપે

પણ એટલી શાંતિથી સાંભળે પણ ખરો!

પણ બોલવાનું ચાલું કરે એટલે પુરું

તમે ક્યાંયના નહીં

તને સમજવાની હોય કે સમજાવવાની

છે બસ એક શરત

તારો પૂર્ણ સ્વિકાર

કદાચ, વરસાદ તારા જેવો છે નહીં

 

Dhruv Shastri (05-July-2018)

 

Photo courtesy – Bhupesh Patel

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *